રવિવાર, 21 ઑગસ્ટ, 2011

વહુએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ


ગામમાં પિયરને ગામમાં સાસરું રે લોલ,
દીકરી કે’જો સખ દ:ખની વાત જો
                  કવળા સાસરિયામાં જીવવું રે લોલ
સખના વારા તો માતા, વહી ગયા રે લોલ,
દ:ખના ઉગ્યા છે ઝીણા ઝાડ જો
                  કવળા સાસરિયામાં જીવવું રે લોલ
પછવાડે ઉભી નણદી સાંભળે રે લોલ,
વહુ કરે છે આપણા ઘરની વાત જો
                  વહુએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ
નણદીએ જઈ સાસુને સંભળાવ્યું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
                  વહુએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ
સાસુએ જઈ સસરાને સંભળાવ્યું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
                  વહુએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ
સસરાએ જઈ જેઠને સંભળાવ્યું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
                  વહુએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ
જેઠે જઈ પરણ્યાને સંભળાવ્યું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
                  વહુએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ
પરણ્યે જઈ તેજી ઘોડો છોડીયો રે લોલ,
જઈ ઉભો ગાંધીડાને હાટ જો
                  વહુએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ
 અધશેરો અમલીઆં તોળાવિયા રે લોલ
પાશેરો તોળાવ્યો સોમલખાર જો,
                  વહુએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ
સોનલા વાટકડે અમલ ધોળિયા રે લોલ
પીઓ ગોરી નકર હું પી જાઉં જો,
                  વહુએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ
ઘટક દઈને ગોરાંદે પી ગયા રે લોલ
ઘરચોળાની ઠાંસી એણે સોડ્ય જો,
                  વહુએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ
આટકાટનાં લાકડાં મંગાવીઆં રે લોલ,
ખોખરી હાંડીમાં લીધી આગ જો,
                  વહુએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ
પે’લો વિસામો ઘરને ઉંબરે રે લોલ
બીજો વિસામો ઝાંપા બા’ર જો
                  વહુએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ
ત્રીજો વિસામો ગાયને ગોંદરે રે લોલ,
ચોથો વિસામો સમશાન જો,
                  વહુએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ
સોનલા સરખી વહુની ચે’ બળે રે લોલ
રૂપલા સરખી વહુની રાખ જો
                  વહુએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ
બાળી ઝાળીને જીવડો ઘેર આવ્યો રે લોલ
હવે માડી મંદિરીયે મોકળાશ જો
            ભવનો ઓશિયાળો હવે હું રહ્યો રે લોલ
હવે માડી દેજો દોટાદોટ જો
            સહુનો ઓશિયાળો હવે હું રહ્યો રે લોલ.