લેબલ ગુજરાતી કવિતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગુજરાતી કવિતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 24 મે, 2013

શું કરવા ?

ઘડી બે ઘડીની ખબર નથી,
ને વર્ષોના મનસુબા શું કરવા ?

ઝાંઝવાના જળની જેમ દુનિયા
એ જળને પીવું મારે શું કરવા ?

દેહ અમુલ્ય મને મળ્યો ઈશથી
તો ફરી હાથ ફેલાવું શું કરવા ?

બંધ આંખે બધું જોઈ લીધું છે
પછી આંખ ખોલું હું શું કરવા ?

મૌનના નોખા શબ્દો છે,
તો બીજી ભાષા બોલું શું કરવા ?

સબંધો બધાય જો નામના છે,
તો પછી સગપણ રાખું શું કરવા ?

પ્રાયશ્ચિતની ગંગામાં નાહ્યો
પછી ગંગામાં નાવું શું કરવા ?

જો અહી મારું તારું કાંઈ નથી,
તો પછી મારું મારું શું કરવા ?

તિમિર સાથે દોસ્તી કરી મેં
પછી દીપ જલાવું શું કરવા ?

જો તારે મારે કાંઈ નથી તો
તો મારી ફિકર કરે છે શું કરવા ?

વાત મારી સમજાય નહિ તમને
તો મારે વાતો કરવી શું કરવા ?

દિલમાં ખુદાનો ડર છે 'આનંદ'
પછી જલ્લાદથી ડરવું શું કરવા ?

મળી ગયા

એવી રીતે નયનથી નયન મળી ગયા,
જાણે શ્વાસને નવા સંબંધ મળી ગયા.

જેને આખા જગતમાં શોધ્યા મેં,
એતો મને મારી જ અંદર મળી ગયા.

નીકળ્યો તો એકલો સફરમાં ઘરથી,
છોડે નહિ મને એવા હમસફર મળી ગયા.

જગત જેને ગોતે છે હરપળ બધે,
એવા અમુલખ અમને રત્નો મળી ગયા.

પોતાના તેજથી એકલો પડી ગયો સુરજ,
ચંદ્રને તો કેટલાય સિતારા મળી ગયા.

કંટકોની રાહ પર ચાલ્યો જિંદગીભર,
એટલે મરણપથારી પર ફુલો મળી ગયા.

નજર ભીની થઇ ગઈ ખુદાની 'આનંદ',
જ્યારે એને મારા ઝખ્મોના ખબર મળી ગયા.

લાગણીઓ લીલામ કરી નાખી મેં

લાગણીઓ લીલામ કરી નાખી મેં,
માગણીઓ મ્યાન કરી નાખી મેં.

વહે છે ધસમસતી નદીની જેમ,
જિંદગી હવે બેલગામ કરી નાખી મેં.

આપણી વચ્ચે અંતર જરૂરી છે,
એટલે લક્ષ્મણરેખા દોરી રાખી મેં.

શ્વાસ અને ધડકનમાં જુનું વેર હતું,
એટલે બેય ને બંધ કરી નાખી મેં.

અમૃતના ઓડકાર તો મને આવે જ ને ?
કેટલીય પીડાઓ મોઢેથી ચાખી મેં.

'આનંદ' બધાને સમજાશે નહિ,
કેમ ગઝલ આ લોહીથી લખી મેં ?

પ્રેમ

પ્રેમ એ રાધા ને શ્યામ
પ્રેમ એ સીતા ને રામ
પ્રેમ કોઈ પાવન સરિતા
પ્રેમ કોઈ કવિની કવિતા.

પ્રેમ એક નશીલો જામ
પ્રેમ તો મીરાનું નામ,
પ્રેમ તારી પે'લી નજર
પ્રેમ એક અધુરી ગઝલ.

પ્રેમ લાગણીનું ખેતર
પ્રેમમા પ્રેમ જ ઉત્તર,
પ્રેમ એક વાત નાની,
પ્રેમ એક લાંબી કહાની.

પ્રેમ તારું મારું મિલન,
પ્રેમ શ્વાસ અને ધડકન,
પ્રેમ એક અધુરી પ્યાસ,
પ્રેમ તો ફુલોની સુવાસ.

પ્રેમ શબ્દોનો ખેલ,
પ્રેમ સપનાઓનો મહેલ,
પ્રેમ પવનનો સ્પર્શ,
પ્રેમ હૃદયનો હર્ષ.

પ્રેમ જ ઈશ્વરનું નામ
પ્રેમમા ચારે ચાર ધામ,
પ્રેમ 'આનંદ' મનનું ગીત,
પ્રેમ હાર વિનાની જીત.

લાગે છે એને પ્રેમ પહેલો થયો છે

દિવસ અને રાતને માણસનું સ્વરૂપ આપીને આ કવિતા લખી...

દિવસ રાતની પાછળ ઘેલો થયો છે,
લાગે છે એને પ્રેમ પહેલો થયો છે.

આખા દિવસનો થાક ઉતરી જાય છે ત્યારે,
રાત સાથે એની નજર મળી જાય છે જ્યારે.
રાતના પ્રેમમાં કેવો ચકચુર થયો છે ?
લાગે છે એને પ્રેમ પહેલો થયો છે.

એના દિલ પર કેટલાય ઘાવ થાય છે રોજ,
પડી પડીને ઉભો થાય છે એ રોજ,
એમ ને એમ ચકના ચુર થયો છે,
લાગે છે એને પ્રેમ પહેલો થયો છે.

સવારે એના ગાલ પર પ્રેમના નિશાન હોય,
સાંજ સુધી એની આંખમાં આંસુઓ જ હોય,
પ્રેમ એનો સળગીને પુર્ણ થયો છે,
લાગે છે એને પ્રેમ પહેલો થયો છે.

આવે છે દિવસની પાછળ સંધ્યા,
આવી મળે છે રોજ પેલી કોમળ પ્રભા,
તોય એ કેમ રાતનો શોખીન થયો છે ?
લાગે છે એને પ્રેમ પહેલો થયો છે.

પ્રેમની કેવી અનુપમ જોડી બનાવે છે ?
મળતા નથી અને મળશે નહિ એ વાત જાણે છે,
'આનંદ' આ પ્રેમનો આશિક થયો છે,
લાગે છે એને પ્રેમ પહેલો થયો છે.

યાદ કરી લેજો

જો યાદ અમારી આવે તો દિલથી યાદ કરી લેજો,
કોઈ સાથ અગર ન આપે તો એક સાદ કરી લેજો.

દર્દ તમારા દિલનું અમને આપીને જાજો,
ને ખુશીયો વહેંચવામાં અમને બાદ કરી લેજો,
જો યાદ અમારી આવે તો દિલથી યાદ કરી લેજો.

સપનાઓની દુનિયામાં તમે રોજ મળી લેજો,
ને ક્યારેક એમ જ લાગણીની બથ ભરી લેજો,
જો યાદ અમારી આવે તો દિલથી યાદ કરી લેજો.

મૌનની ભાષા ઘટી પડે તો વાત કરી લેજો,
ને આંખ મળે જો અમથી તો આંખ ભરી દેજો.
જો યાદ અમારી આવે તો દિલથી યાદ કરી લેજો.

જે વાત કોઈ કાન ધરે નહિ એ વાત કરી લેજો,
ફરી મળશે નહિ ક્યારેય એમ આ રાત જીવી લેજો,
જો યાદ અમારી આવે તો દિલથી યાદ કરી લેજો.

જો હોય અગર કોઈ ગુસ્સો તો ક્રોધ કરી લેજો,
અહી ગરદન ઝુકાવી બેઠો છું વાર કરી લેજો,
જો યાદ અમારી આવે તો દિલથી યાદ કરી લેજો.

મળે જો કોઈ સંગાથ નવો તો સાથ કરી લેજો,
'આનંદ' એના પ્રેમની રેખા હાથ કરી લેજો.
જો યાદ અમારી આવે તો દિલથી યાદ કરી લેજો.

શુક્રવાર, 17 મે, 2013

ખાલી આ મકાન ને ખાલીખમ ઓરડા

શાળાએ વિદ્યાર્થી નહોતા ત્યારે આ કવિતા લખેલ...

ખાલી આ મકાન ને ખાલીખમ ઓરડા,
અધુરા અળખામણા લાગે છે ટહુકા,
નિસ્તેજ થઇ ગઈ સૃષ્ટી આ સઘળી,
ગેરહાજરી એમની કેવી લાગે છે અઘરી ?

આકાશ ન ગમે વાદળો વિના
શાળા ન ગમે બાળકો વિના
મંદિરમાંથી ઈશ્વર જાય જેમ,
બાગ નથી શોભતો આ પુષ્પો વિના.

હળવેથી સાંભળું આ પોપટનો અવાજ,
ધ્યાનથી દેખું આ પંખીના મિજાજ,
તોય ગમતું નથી આજ 'આનંદ'ને
એને તો જોઈએ વિદ્યાર્થીના સંવાદ.

જિંદગી હું તારા પર કુરબાન કરી દઉં

જિંદગી હું તારા પર કુરબાન કરી દઉં,
ફેલાવ એકવાર હાથ ને મારો જાન દઈ દઉં.

નથી હું કોઈ સિકંદર આ દુનિયાનો,
પણ તને મારી જિંદગીની જાગીર દઈ દઉં.

સપના મારા આંખો મારી તને દઈ દઉં,
વિચારોનો આખોય આ વૈભવ દઈ દઉં.

'આનંદ' સ્વાર્થની જ તો આ દુનિયા આખી છે,
ઝોળી ફેલાવ હવે મારા બધા સ્વાર્થ દઈ દઉં.

વિચારોના વૃંદાવનમાં એક રાધા છો તમે

વિચારોના વૃંદાવનમાં એક રાધા છો તમે,
અમારા હૃદયમાં જ રહીને કેટલા આઘા છો તમે ?

વહેલી સવારની પહેલી કિરણ છો તમે,
ઉપવનમાં સતત રેલાતી સુવાસ છો તમે.

જાણીને બધું જ કેટલા અજાણ છો તમે ?
લાગે છે વરસો જુની કોઈ ઓળખાણ છો તમે.

મંદિરમાં થાતી આરતીનો રણકાર છો તમે,
ઈશ્વરની કોઈ છબીને અણસાર છો તમે.

દુનિયામાં સંબંધોનાં કોઈ ને કોઈ નામ હોય જ છે,
'આનંદ' નામ વિનાનો મીઠો સંબંધ છો તમે.

જિંદગીમાં

દર્દ કેટલાય મેં જોયા જિંદગીમાં,
ઘાવ કેટલાય મેં સહ્યા જિંદગીમાં,
દુનિયા તો હર વખત રંગ બદલે છે,
રંગ કેટલાય મેં લીધા જિંદગીમાં.

પ્રેમનો ડર હવે બહુ જ લાગે છે,
આમ તો કેટલાય ડર જોયા જિંદગીમાં,
લોકોને હવે ગમે તે કે'વા દઉં છું હું,
આરોપ કેટલાય મેં લીધા જિંદગીમાં.

રાતને દિવસ તો છે સમયની ઘટમાળ,
પણ કેટલાય રાત દિવસ મેં જોયા જિંદગીમાં,
આમ તો કેટલાય છે દોસ્ત 'આનંદ' ને,
પણ તોય કેટલાક મોતી મેં વીણ્યા જિંદગીમાં.

ગુરુવાર, 16 મે, 2013

દુનિયા

બદનામીનો તાજ બનાવી પહેરાવે છે દુનિયા,
સાચ ખોટના ખોટા ભેદ સમજાવે છે દુનિયા.

આકાશ ને તારામાં પણ ભેદ રાખે દુનિયા,
ઈશ્વર અને ઇન્સાન ને કેવા નોખા પાડે દુનિયા ?

રીવાજોની સરહદ બાંધી ખુબ રોકે દુનિયા,
પાંખો ઉડતા પંખીની બાંધે છે આ દુનિયા.

પૈસો દેખી કેવી પાછળ પાછળ આવે દુનિયા ?
નિર્ધનને તો ઠોકર ઉપર જીવાડે છે દુનિયા.

મોજે તો માણસ ને ભગવાન બનાવે દુનિયા,
રૂઠે તો ભગવાન ને પણ ભાંગી નાખે દુનિયા.

નેતા ને અભિનેતાને માથે મુકે દુનિયા,
સારા ને સાચાને કેવી રઝળાવે છે દુનિયા.

આમ જુઓ તો નામ માત્રની બસ છે દુનિયા,
'આનંદ' કહું કેવી ને કેટલી બેદર્દ છે દુનિયા ?

મોદી

માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પર આ કવિતા લખી છે જેમાં દર્શાવેલ
તમામ વિચારો મારા અંગત વિચારો છે...

ગુજરાતની શાન છે મોદી,
ગુજરાતીનું માન છે મોદી,
રોકી શક્યું ના રોકે રોકાય નૈ,
એક એવું તોફાન છે મોદી.

યોગીઓનું ધ્યાન છે મોદી,
સંતોનું અભિમાન છે મોદી,
મળ્યું અમુલખ ઈશ્વરથી,
એક એવું વરદાન છે મોદી.

યુવાનોમાં યુવાન છે મોદી,
દેશભક્તિનું ગાન છે મોદી,
નીરખી રહ્યું છે આખું જગત,
ભારતની પહેચાન છે મોદી.

ચાણક્યના શિષ્ય મોદી,
ગુજરાતના છે ભિષ્મ મોદી,
'આનંદ' મારા મનની કહું છું,
હવનકુંડની ભસ્મ મોદી.

મંગળવાર, 14 મે, 2013

આંખમાંથી એમ જ નીકળે છે આંસુ

આંખમાંથી એમ જ નીકળે છે આંસુ,
સંબંધોની લાશ બની જાય છે આંસુ,
દર્દ તો મારે કોઈને કેવો નથી હોતો,
પણ એનો એહસાસ કહી જાય છે આંસુ.

હજારો પીડાની કથા બની જાય છે આંસુ,
કહું કેવી વ્યથા બની જાય છે આંસુ ?
આમ તો વાત સાવ નાની ને ટૂંકી લાગે છે,
દર્દની કોઈ અજબ ગાથા બની જાય છે આંસુ.

ક્યારેક તમારું નામ કહી જાય છે આંસુ,
ક્યારેક પોતાને બદનામ કરી જાય છે આંસુ,
રહે છે આમ તો મલકતા અને બોલતા,
ક્યારેક અમસ્તા ગુમસુમ બની જાય છે આંસુ.

મુલવવા જાવ તો કોઈથી મૂલવાય ના આંસુ,
સમજી વિચારીને દોસ્ત વપરાય આ આંસુ,
'આનંદ' ને સમજવું હવે કેટલું અને કેવું ?
સમજો તો પલકમાં પણ સમજાય આ આંસુ.

સોમવાર, 13 મે, 2013

એક છોકરી મારાથી એવી રીસાઈ ગઈ.

એક છોકરી મારાથી એવી રીસાઈ ગઈ,
કેમ રે મનાવું કેમ કેમ સમજાવું ?
તમે જ કયો શું હું કરું ને શું કરું નૈ ?
એક છોકરી મારાથી એવી રીસાઈ ગઈ.

નાજુક નમણી ને નટખટ દિલની,
ક્યારેક સવાર તો ક્યારેક રજની,
શું કહું કેવી કેવી લાગે છે ભઈ ?
એક છોકરી મારાથી એવી રીસાઈ ગઈ.

સુંદર સુશીલ અને પાછી ભોળી,
ક્યારેક સાવ એકલી ક્યારેક હોય ટોળી,
ક્યારેક બોલે હા તો ક્યારેક બોલે નૈ,
એક છોકરી મારાથી એવી રીસાઈ ગઈ.

ઝાંઝર જેવો એનો મીઠો કલરવ,
ક્યારેક શિવ બને ક્યારેક માધવ,
અદાઓ એની મને ક્યારેય સમજાય નૈ,
એક છોકરી મારાથી એવી રીસાઈ ગઈ.

પંડિત જ્ઞાની ને મનથી ચંચળ,
પાવન જાણે ગંગાનું નિર્મળ જળ,
ગોતવા જાતાંય જેની જોડ મળે નૈ,
એક છોકરી મારાથી એવી રીસાઈ ગઈ.

મનાવું એને લખીને આ કવિતા ?
પીવડાવું એને મેઘની સરિતા ?
'આનંદ' એને કહી દઉં હવે રીસાઈ નૈ,
એક છોકરી મારાથી એવી રીસાઈ ગઈ.

રાધા

વાંસળીના સુરમાં એક સુર રાધા,
લાગણી ને પ્રેમમાં એક પૂર રાધા,
આમ તો પાસે ને આમ દુર રાધા,
શ્યામના સ્મિતનું એક નુર રાધા.

વેદ ને ધર્મમાં એક નામ રાધા,
મોહ માયા મર્મમાં એક નામ રાધા,
મુક્તિના બંધનમાં એક નામ રાધા,
સૃષ્ટિના સ્પંદનમાં એક નામ રાધા.

ચંદ્ર અને સૂર્યમાં એક તેજ રાધા,
આત્મા અને મનમાં એક ભેદ રાધા,
'આનંદ' રાગ અનુરાગ બધા શું કહે ?
ઉકલે ઉકલાય નહિ એક વેદ રાધા.

કીટ્ટા

નાનકડું એ નામ કીટ્ટા
કરી નાખે બદનામ કીટ્ટા
તારું એ હથિયાર કીટ્ટા
મને કરે લાચાર કીટ્ટા.

ક્યારેક સમજાવે છે કીટ્ટા
ક્યારેક તડપાવે છે કીટ્ટા
મારી ભુખ પર તારું કીટ્ટા
જમવાને ધમકાવે છે કીટ્ટા.

ક્યારેક આવે કામ કીટ્ટા
ક્યારેક થાય નાકામ કીટ્ટા
નશીલો કોઈ જામ કીટ્ટા
કરે પછી સંગ્રામ કીટ્ટા.

નાનપણની યાદ કીટ્ટા
માસુમ કોઈ સાદ કીટ્ટા
કેવું અલગ આઝાદ કીટ્ટા ?
મને મળી દાદ કીટ્ટા.

ખાટો મીઠો સ્વાદ કીટ્ટા,
આંસુને કરે બાદ કીટ્ટા,
તને મળી સોગાદ કીટ્ટા,
મને મુબારખબાદ કીટ્ટા.

તારી દોસ્તીમાં રીત કીટ્ટા,
ક્યારેક તારું સ્મિત કીટ્ટા,
'આનંદ' હાર ને જીત કીટ્ટા,
જીવનનું આ ગીત કીટ્ટા.

શિક્ષક

તકદીરોને શણગારું છું,
ભટકતાને સંભાળું છું,
શિક્ષક થઈને દિનકરની જેમ,
નવી સવાર બનાવું છું.

ગીતો અનેરાં ગાવું છું,
વાર્તાઓ સંભળાવું છું,
શબ્દો રૂપી ચિનગારીથી,
સંસ્કારનો દીપ જલાવું છું.

માતા બનીને વારુ છું,
પિતા બની સમજાવું છું,
એક જ રૂપ ને રંગથી
અલગ અલગ વેશ ભજવું છું.

હું પ્રેમની એક સરવાણી છું,
હું ગીતાની અમૃતવાણી છું,
નાતજાતને ધર્મથી જુદો
હું ગૌતમ બુદ્ધની જુબાની છું.


હું સરસ્વતીનો દીકરો છું,
હું વિદ્યાર્થીનો પ્યારો છું,
‘આનંદ’ અંધકારમાં ટમટમતો
એક અનોખો સિતારો છું.

આંસુ

મોતી બનીને તારી આંખથી પડે છે આંસુ,
આગ બનીને મારા દિલમાં સળગે છે આંસુ.

તારી ઉદાસીની કોઈ કહાની કહે છે આંસુ,
મારી જિંદગીની કોઈ નિશાની રહે છે આંસુ.

તારા દિલની એ ફરિયાદ બની જાય છે આંસુ,
મારા દિલમાં ફરી તારી યાદ બની જાય છે આંસુ.

કીધા વિના કેટલુંય કહી જાય છે આંસુ ?
આવે છે આંખમાં તો સમજાય છે આંસુ.

ખુશી અને દુઃખની ભાષા છે આંસુ,
શબ્દો કરતા પણ ઘણા સાચા છે આંસુ.

'આનંદ'ની કવિતાનો વિસ્તાર છે આંસુ,
દિલની લાગણીઓનો પોકાર છે આંસુ.

વિદ્યાર્થીઓ છો તમે નિરાળા

૨૦૧૨-૧૩ નાં વિદ્યાર્થીઓની વિદાય માટે લખેલ કવિતા...

નાના પ્યારા ફૂલ અમારા,
ટમટમતા નાના સિતારા,
જાણે કોઈ માળાના પારા,
વિદ્યાર્થીઓ છો તમે નિરાળા.

હસતા હસતા કોઈ ભણતો,
કોઈ બીજાની ફરિયાદો કરતો,
પ્રયાગ જો'ને કેવો ડરતો ?
સાવન તો સૌમાં ભળતો,

દરેક કામ દોડીને કરતા,
વિદ્યાર્થીઓ છો તમે નિરાળા.

રીંકલબેન તો રોષે ભરાતા,
રોનકબેન જ્યારે વાતો કરતા,
કેવાં હિનાબેન ને પાયલબેન ?
સદાય રહેતા એ બંને મૌન.

એકબીજાના સાથી સારા,
વિદ્યાર્થીઓ છો તમે નિરાળા.

હોશિયાર તો જયશ્રીબેન,
ઘરમાં ડોન મનીષાબેન,
દયાબેન ડરાવતા સૌને,
પાયલબેન સમજાવતા સૌને.

કોયલ બુલબુલના ટહુકારા
વિદ્યાર્થીઓ છો તમે નિરાળા.

ધીમે ધીમે વાતો કરતા,
કોઈ ગાંધીના અક્ષર કરતા,
ધ્યાનથી રીન્જલબેન જો ભણતા,
જાનકીબેન સૌ સાથે લડતા.

'આનંદ' અમ આશિષ ઉરથી દેતા,
વિદ્યાર્થીઓ છો તમે નિરાળા.

ખુરશી

આ કવિતાની ખાસિયત એ છે કે એમાં આગલી પંકિત નો કોઈ એક શબ્દ બીજી પંક્તિમાં
આવે જ છે....

કાવાદાવાનું કારણ ખુરશી,
કારણ વિનાનું કામણ ખુરશી.

કામણનું કમઠાણ ખુરશી,
કમઠાણોની ખાણ ખુરશી.

કોઈ કાળી કાળી ખાણ ખુરશી,
કોઈ કાળી કાળી રાત ખુરશી.

રાતની અમીરાત ખુરશી,
અમીરાતની જાત ખુરશી.

જાત-પાતનાં ભેદ ખુરશી,
કેવા કાળા ભેદ ખુરશી ?

'આનંદ' કેવા દાવા ખુરશી ?
દાવામાં કાવાદાવા ખુરશી.