લેબલ Gazal સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Gazal સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2011

હાઈકુ


લેખિકા : વાઘેલા ઉષાકિરણબેન
આ.શિ. ઝુંડાળા પ્રાથમિક શાળા

હાઈકુ
(૧)
બુંદ બુંદ જો
ટપકે ને કેવી આ
કુંપળ ફૂટે.

(૨)
નીલુ આકાશ
હરિયાળી ધરતી
કેવા સુંદર !

(૩)
ફૂલડાં ખીલે
ફૂલડાં કરમાય
જીવન એવું.

(૪)
નદીનું જળ
સાગરને મળીને
બનતું ખારું.

બાળકની કલ્પનાઓ વિશેની કવિતા


લેખિકા : વાઘેલા ઉષાકિરણબેન
આ.શિ. ઝુંડાળા પ્રાથમિક શાળા

બાળકની કલ્પનાઓ વિશેની કવિતા


વનવગડે ફરવું ને જંગલમાં મહાલવું,
કુણા તરણા ખાવાને હળીમળીને રમવું,
બની જાઉં હરણું તો દોડવું ગમે,
દોડવું ગમે, મને દોડવું ગમે.

રહેવું ઘરના છાપરે કે મંદિરના ગોખમાં,
ચણ ચણ ચણવું ને ગળું ફુલાવી ફરવું,
બની જાઉં પારેવું તો ઉડવું ગમે,
ઉડવું ગમે મને ઉડવું ગમે.

ફૂલડે ફૂલડે ફરવું ને મસ્તીથી મહાલવું,
આનંદથી ઉડવું ને બાગ-બગીચે ભમવું,
બની જાઉં ભમરો તો ગુનગુન કરું,
ગુંજન કરું હું તો ગુંજન કરું.

બાગ-બગીચે ખીલવું ને મંદિરમાં ધરવું,
રંગબેરંગી સુંદર મજાનું,
બની જાઉં ફૂલડું તો ફોરમવું ગમે,
ફોરમવું ગમે મને ફોરમવું ગમે.

ફૂલડે ફૂલડે બેસવું ને આમતેમ ઉડવું,
રંગબેરંગી પાંખો લઈને નાનું મજાનું,
બની જાઉં પતંગિયું તો ઉડવું ગમે,
ઉડવું ગમે મને ઉડવું ગમે.

વનની વનરાઈ કે નદી કાંઠે ઝાડીમાં,
પીંછા લહેરાવું ને કળા કરીને નાચું,
બની જાઉં મોરલિયો તો ટહેકવું ગમે,
ગહેકવું ગમે મને ગહેકવું ગમે.

પહાડોની વચ્ચે ને જંગલ કેરી કેડીએ,
ઉપરથી પછડાવું ને મીઠા સંગીત રેલાવું,
બની જાઉં ઝરણું તો રેલાવું ગમે,
રેલાવું ગમે મને રેલાવું ગમે.

ખારા ખારા સાગરમાં કે નદી-સરવરમાં,
પાણીમાં તરતી ને આમતેમ ફરતી,
બની જાઉં માછલી તો તરવું ગમે,
તરવું ગમે મને તરવું ગમે.


હરિયાળા ખેતરમાં કે ધરતી પર લહેરાઉં,
મંદ મંદ હવાની શીત લહેરખી બનીને,
બની જાઉં પવન તો લહેરાવું ગમે,
લહેરાવું ગમે મને લહેરાવું ગમે.

કાળી કાળી ઘેરી ઘટા બનીને છવાય,
માનવ હૈયા જોઈ મન હરખાય,
બની જાઉં વાદળી તો વરસવું ગમે,
વરસવું ગમે મને વરસવું ગમે.

હરિયાળા મેદાનમાં ને નદીઓની ભેખડ પર,
ગાયો ને ચારવા સીમ ને જંગલમાં,
બની જાઉં ગોવાળિયો ને પાવો વગાડું,
પાવો વગાડું હું તો પાવો વગાડું.

ગોકુળની ગલીઓમાં, ગોપીઓના સંગમાં,
માખણ ચોરવું ને બંસરી વગાડું,
બની જાઉં કનૈયો તો રાસ રમાડું,
રમવું ગમે મને રમવું ગમે.

બીજમાંથી નીકળું ને મોટું મોટું થાઉં,
ફળ-ફૂલડાં ને છાંયડો આપું,
બની જાઉં ઝાડવું તો વરસાદ લાવું,
વરસાદ લાવું  હું તો વરસાદ લાવું.

રોજ સવારે ઊગવું ને સાંજે આથમવું,
દુનિયાને ઉર્જા ને ગરમી આપું,
બની જાઉં સુરજ તો અજવાળવું ગમે,
અજવાળવું ગમે મને અજવાળવું ગમે.

મારી નિશાળમાં


લેખિકા : વાઘેલા ઉષાકિરણબેન
આ.શિ. ઝુંડાળા પ્રાથમિક શાળા

મારી નિશાળમાં

ટીનાબેન, ટીનાબેન મારી નિશાળમાં,
      આવશો કે નહિ ? આવશો કે નહિ ?

લખવાને પાટી, વાંચવાને ચોપડી,
      આપીશ તમને, આપીશ તમને.
મુન્નાભાઈ, મુન્નાભાઈ મારી નિશાળમાં,
      આવશો કે નહિ ? આવશો કે નહિ ?

ગુજરાતીમાં પાઠ ને ગણિતમાં દાખલા,
      શીખવીશું તમને, શીખવીશું તમને.
ટીનાબેન, ટીનાબેન મારી નિશાળમાં,
      આવશો કે નહિ ? આવશો કે નહિ ?

આકાશ


લેખિકા : વાઘેલા ઉષાકિરણબેન
આ.શિ. ઝુંડાળા પ્રાથમિક શાળા

આકાશ

બે નાની આંખોથી નજરના પહોંચે,
     દુનિયા આખી ઉપર છવાયેલું રહેતું આકાશ.

વહેલી સવારથી સોનેરી કિરણો પાથરતું,
     મધ્યાહને ધરાવાસીઓને દઝાડતું આકાશ.

રંગબેરંગી પંખીઓના કલરવથી ગુંજતું,
     એમ જ જીવન સ્વપ્નને સમજાવતું આકાશ.

કાળી વાદળીઓ જળથી ભરીને,
     પશુપંખી ને માનવ હૈયા લહેરાવતું આકાશ.

રીમઝીમ વરસીને રોમાંચ જગાડતું,
     માદક મહેક પમારાવતું આકાશ.

અષાઢ-શ્રાવણની હેલીઓ વરસાવતું,
     મંદ-મંદ ધારે અમી વરસાવતું આકાશ.

જાણે કે પ્રિયજનનો સ્પર્શ,
     એવો રોમાંચ જગાવતું આકાશ.

સૃષ્ટિના સમગ્ર જીવોને હરખાવતું,
     તો ક્યારેક સૌને તાદાપાવતું આકાશ.

વીજળીના ચમકારથી ઝગમગતું,
     ને વાદળાના ગડગડાટથી ગભરાવતું આકાશ.

ક્યારેક તોફાની બનીને સર્વનાશ નોતરતું,
     ધરાને જાણે ધમરોળતું આકાશ.

ધરતીને આલીંગનમાં લેવા મથતું,
     તોયે સદાયે દુર જ રહેતું આકાશ.

સાત-સાત રંગોની રંગોળી રચતું,
     મેઘ ધનુષથી ખુબ શોભતું આકાશ.

ઉષા-સંધ્યાના રંગોને ફેલાવતું,
     પલપલ અવનવા રંગો બદલાવતું આકાશ.

ક્યારેક અમાસની કાજળઘેરી રાત,
     ને ક્યારેક પૂનમની ચાંદની પથરાવતું આકાશ.

અગણિત તારલાના હીરા ઝળકાવતું,
     દિવસે ચંદ્ર ને રાતે સુરજને છુપાવતું આકાશ.

ક્યારેક જાણે રૂના ઢગલે ઢગલા,
     તો ક્યારેક નિરભ્ર જણાતું આકાશ.

અવનવા આકાશે સર્જતું,
     જોતા જઈએ તેમ વિસ્મય સર્જતું આકાશ.

આમાં ક્યાંક છુપાયો હશે ઈશ્વર ?
     એવો સતત આભાસ કરાવતું આકાશ.

હું તો ચાહું કે


લેખિકા : વાઘેલા ઉષાકિરણબેન
આ.શિ. ઝુંડાળા પ્રાથમિક શાળા


હું તો ચાહું કે,
      ગ્રીષ્મના સંતપ્ત તાપમાં
      સૌમ્ય લહેર સમીરની બની,
      સર્વત્ર લહેરાઉં...

હું તો ચાહું કે,
      ખળખળ હસતી રમતી
      નીર વહાવતી નદી બની,
      સાગરને મળવા જાઉં...
વળી ચાહું કે,
      સમંદરના મોજાઓ વચ્ચે
      ડોલતી કુદતી ઉછળતી નાવડી બનીને,
      પેલે પાર જાઉં...

હું તો ચાહું કે,
      આમ્રકુંજમાં ટહુકતી કોયલડીનું
      મધુર કુંજન બનું...
વળી ચાહું કે,
      સુંદર સુગંધિત ફૂલો પર
      ઉડતા ભમરાનું ગુંજન બનું...

હું તો ચાહું કે,
      રંગબેરંગી પાંખો લઈને
      બાગમાં આમથી તેમ
      પતંગિયું બની ઉડું...
વળી ચાહું કે,
      નાનકડું ઝરણું બની,
      પહાડની ટોચેથી નીકળી
      ઝાડીઓની વચ્ચેથી
      કુદકા મારતું દોડું...

હું તો ચાહું કે,
      એક રૂપેરી માછલી બની
      નિર્મળ નીરમાં આમતેમ દોડું
      સંતાકુકડી રમું...
વળી ચાહું કે,
      એક નાનું ભોળું મજાનું
      પંખી બની અનંત
      આકાશમાં ઉડું...

હું તો ચાહું કે,
      સુંદર કોમલ સુગંધિત
      નાનું પુષ્પ બની
      ભગવાનના ચરણોમાં ચઢી જાઉં...
                                                -‘ઉષા’

રવિવાર, 24 જુલાઈ, 2011

તમને સલામ મેઘાણી

સોરઠની ધીંગી ધરતીના સાવજ જેવા બેટા તમને સલામ મેઘાણી


ચૌદ વરસની ચારણકન્યા પશુપ્રેમ જ્યાં નીતરે-તમને સલામ મેઘાણી
જેની કાવ્ય ખરલથી કાયમ રંગ કસુંબી ઊતરે-તમને સલામ મેઘાણી

ઉપનિષદ સમ તમે લખી આ સોરઠની રસધાર-તમને સલામ મેઘાણી
હજી મને સંભળાય એ ભૂચર મોરીનો પડકાર-તમને સલામ મેઘાણી

દાતારોથી દોઢ ચડે એ હરિજનો હરાખાવ્યા-તમને સલામ મેઘાણી
ભક્તો પણ ભલકારા ધ્યે ઈ ઢાઢીને બિરદાવ્યા-તમને સલામ મેઘાણી

સરસ્વતીના સદા ઉપાસક દેવીપુત્ર દીપાવ્યા-તમને સલામ મેઘાણી
ગાઈને મલ્હાર ગહેકતા મીરોને ચમકાવ્યા-તમને સલામ મેઘાણી

માથા દેતાં મરદ ભોમના ક્ષત્રિયો શણગાર્યા-તમને સલામ મેઘાણી
વતનને કાજે મરતા દેવીપૂજકને ભલકાર્યા-તમને સલામ મેઘાણી

તોપુમાં ખીલા ધરબીને જાદવ ડાંગર બોલે-તમને સલામ મેઘાણી
હાથમાં લઇ તલવાર કલોજી લુણસરીયો જ્યાં ડોલે-તમને સલામ મેઘાણી

મામેરું દઈ ગાંફ ગામનો હરિજન વાતું ખોલે-તમને સલામ મેઘાણી
જોગીદાસ,જોધો,મુળુ કે રામવાળો રસ ઘોળે-તમને સલામ મેઘાણી

હમીરજીની ખાંભી ઉપર તમે સિંધવો રાગ-તમને સલામ મેઘાણી
આઈ વરૂડી,સોનલ,જાહલ તમે બતાવ્યો ત્યાગ-તમને સલામ મેઘાણી

હજી મને પડઘાય સોરઠના આયરડાના રાસ-તમને સલામ મેઘાણી
હવે મને સમજાય દેવરો-આણલ કેરી પ્યાસ-તમને સલામ મેઘાણી

ઘેલાશા વર્ણવતા જેની કલમ બને તલવાર-તમને સલામ મેઘાણી
ગાંધીને મૂલવતા કલમ થૈ તંબુરાનો તાર-તમને સલામ મેઘાણી

વાહ ભીમાનું ભાલું અમને હળવાફૂલ બનાવે-તમને સલામ મેઘાણી
'મોર બની થનગનાટ' અમારી છાતી ગજ ફૂલાવે-તમને સલામ મેઘાણી

સહજ સાધ્ય શૃંગાર તમારી કવિતાયું મહેકાવે-તમને સલામ મેઘાણી
ખારવણની ખમીરાઈ ઉપર જે આંસુડા લુંટાવે-તમને સલામ મેઘાણી

દુહા-છંદ,ગીતો-વાતોને રજુ કરી છે સાચે-તમને સલામ મેઘાણી
ધન્ય હાલરડા ધન્ય રાહ્ડા, લગ્નગીત જ્યાં નાચે-તમને સલામ મેઘાણી

ઈ તેજસ્વી આંખોને અણીયાણી કાળી મૂંછો-તમને સલામ મેઘાણી
ઈ ફેંટો, ઈ બંડીને ઈ જવામર્દનો જૂસ્સો-તમને સલામ મેઘાણી

મર્દાઈના માપદંડ માણસાઈના છોગાં-તમને સલામ મેઘાણી
અમે રૂપકના ફીફાં ખાંડી ઉભા કોરા રોગા-તમને સલામ મેઘાણી

વાતુનો સમદર વલવીને દીધા અઢળક મોતી-તમને સલામ મેઘાણી
લોક્ચારાને, લોક ધરમને, લોક્વેદને ગોતી-તમને સલામ મેઘાણી

લાજવાબ લહિઆ કાવ્યના કરાફાટ કવિરાજ-તમને સલામ મેઘાણી
માનવ સંવેદનનો જુગ જુગ જૂનો એક અવાજ-તમને સલામ મેઘાણી

હવે તમારી છબીયું જોઈ શબદો ગાયા કરશું-તમને સલામ મેઘાણી
રાષ્ટ્રપ્રેમના આ ઝરણામાં નિતનિત નાયા કરશું-તમને સલામ મેઘાણી

તમે જીવતી લોકકથાને તમે અનોખી આંધી-તમને સલામ મેઘાણી
કલમ તમારી થઇ ગઈ વ્હાલા,વિરબંકાની ખાંભી-તમને સલામ મેઘાણી

'સાંઈ' શબદનાં પુષ્પો લઈને ઉભો છે તમ દ્વાર-તમને સલામ મેઘાણી
ફરી જનમ લઇ, ગુર્જર માટે - વરસો અનરાધાર...!-તમને સલામ મેઘાણી

                                                                                       - સાંઈરામ દવે

શનિવાર, 16 જુલાઈ, 2011

એક દીકરીનો કાગળ


એક દીકરીની વેદના

એક દીકરીએ કાગળ લખ્યો માતાને સરનામે,
સરનામામાં પોસ્ટ કરુણા,મુકામ મમતા ગામે,

એક લાખ સપનાઓ માડી મેં તો ઉદરમાં જોયા,
પણ મારી હત્યા પાછળ ના કોઈ હૃદયથી રોયા,
હું ધલવલતી કે દીકરો ના બની શકી એ ડામે,
સરનામામાં પોસ્ટ કરુણા,મુકામ મમતા ગામે...

તું'ય કોકની દીકરી યાદ છે તું'ય કોકની થાપણ !
વાંક શું મારો કાં આપ્યું આ જનમની પેલા ખાપણ,
તું દીકરા માટે ઝંખે પણ કલંક મા ના નામે,
સરનામામાં પોસ્ટ કરુણા,મુકામ મમતા ગામે...

ભૃણની હત્યા નથી માત્ર આ છે મમતાનું મોત,
તારા એક આ ક્રૂર વિચારે બુઝી કરુણા જ્યોત
ઓળખી જાજે આવીશ જલદી ડોક્ટર થઈને,સામે
સરનામામાં પોસ્ટ કરુણા,મુકામ મમતા ગામે...

હવે ભાઈલો જન્મે ત્યારે દે જે ચુમ્મી મારી,
આવજે મમ્મી ક્યાંક હજી છે મારી ઇન્તેજારી,
હવે તો દીકરો તારો વૃદ્ધાશ્રમ મોકલે તો જામે,
સરનામામાં પોસ્ટ કરુણા,મુકામ મમતા ગામે...

દીકરીને કોઈ જનમ ન દેશે દીકરા કેમ પરણશે?
બંધ કરો આ પાપ માફ તો ઈશ્વર પણ નાં કરશે,
'સાંઈ' દીકરીનો કાગળ લઇ ફરતો ગામે ગામે,
સરનામામાં પોસ્ટ કરુણા,મુકામ મમતા ગામે...
                         
                                                                                          - સાંઈરામ દવે

રવિવાર, 3 જુલાઈ, 2011

હું એક શિક્ષક છું


હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહિ,
હું સમાજનું હૃદય ધબકતું સ્થાન ને મારા હણતા નહિ,

મેં કલાકો ગળા ઢઇડીને વર્ગખંડ ગહેકાવ્યા છે,
મેં કળીઓને ફૂલ બનાવી બાગબાગ મહેકાવ્યા છે,
મેં વાવી છે શિષ્ટ સભ્યતા હવે આ મોસમ લણતા નહિ,
હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહિ,

આદર્શોના ઈંધણ નાખી મેં સંસ્કારો રાંધ્યા છે,
ડોક્ટર, વકીલ કે ઇન્સ્પેકટર મેં પાયેથી બાંધ્યા છે,
હું પાયાનો પથ્થર કોઈ જુઠ ઈમારત ચણતા નહિ,
હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહિ,

ખાણમાં નાખી હાથ અને મેં કૈક હીરાઓ ઝળકાવ્યા,
શબ્દનો સેવક થઈને સાક્ષરતાના નેજા ફરકાવ્યાં,
અને તમે શું આપ્યું? પૂછો મા ! ઝખમને ખણતા નહિ,
હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહિ,

હા,હું હકથી, વટથી કહું છું સમાજ મારો ઋણી છે,
વેતન લઈને વતન સાચવ્યું તોય વાત અણસુણી છે,
આદર ના આપો તો માફી, આરોપો બણબણતા નહિ,
હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહિ.

- સાંઈરામ દવે

રવિવાર, 19 જૂન, 2011

આદીલ મન્સુરી



આદીલ મન્સૂરી

પોતાનો કક્કો સાચો કરાવે છે આ નગર 
બીજા બધાને ખોટા ઠરાવે છે આ નગર 

સપનું બનીને ઊંઘમાં આવે છે આ નગર 
આઘું રહીને કેવું સતાવે છે આ નગર

કઠપુતલી જેમ સૌને નચાવે આ નગર
ને કેવા કેવા કામ કરાવે આ નગર

માણસને જીવાતાય જલાવે આ નગર
પાછળથી ખાંભીઓય ચણાવે છે આ નગર

લંગસીયા નાખવા અને કિન્નાથી કાપવા
સૌને પતંગ જેમ ચગાવે છે આ નગર

આખ્ખુંય દ્રશ્ય લોહીમાં નીતરતું તરબતર
ગુટકાની જેમ સાંજને ચાવે છે આ નગર

ઘોંઘાટ,ભીડ,ધૂળ,ધુમાડો ને હુલ્લડો
જેવું છે તેવું લોકને ફાવે છે આ નગર

પડછાયા સાંજે પુછતા ભઠીયાર ગલીમાં
આદીલ હજીય આપને ભાવે  છે આ નગર