સોરઠની ધીંગી ધરતીના સાવજ જેવા બેટા તમને સલામ મેઘાણી
ચૌદ વરસની ચારણકન્યા પશુપ્રેમ જ્યાં નીતરે-તમને સલામ મેઘાણી
જેની કાવ્ય ખરલથી કાયમ રંગ કસુંબી ઊતરે-તમને સલામ મેઘાણી
ઉપનિષદ સમ તમે લખી આ સોરઠની રસધાર-તમને સલામ મેઘાણી
હજી મને સંભળાય એ ભૂચર મોરીનો પડકાર-તમને સલામ મેઘાણી
દાતારોથી દોઢ ચડે એ હરિજનો હરાખાવ્યા-તમને સલામ મેઘાણી
ભક્તો પણ ભલકારા ધ્યે ઈ ઢાઢીને બિરદાવ્યા-તમને સલામ મેઘાણી
સરસ્વતીના સદા ઉપાસક દેવીપુત્ર દીપાવ્યા-તમને સલામ મેઘાણી
ગાઈને મલ્હાર ગહેકતા મીરોને ચમકાવ્યા-તમને સલામ મેઘાણી
માથા દેતાં મરદ ભોમના ક્ષત્રિયો શણગાર્યા-તમને સલામ મેઘાણી
વતનને કાજે મરતા દેવીપૂજકને ભલકાર્યા-તમને સલામ મેઘાણી
તોપુમાં ખીલા ધરબીને જાદવ ડાંગર બોલે-તમને સલામ મેઘાણી
હાથમાં લઇ તલવાર કલોજી લુણસરીયો જ્યાં ડોલે-તમને સલામ મેઘાણી
મામેરું દઈ ગાંફ ગામનો હરિજન વાતું ખોલે-તમને સલામ મેઘાણી
જોગીદાસ,જોધો,મુળુ કે રામવાળો રસ ઘોળે-તમને સલામ મેઘાણી
હમીરજીની ખાંભી ઉપર તમે સિંધવો રાગ-તમને સલામ મેઘાણી
આઈ વરૂડી,સોનલ,જાહલ તમે બતાવ્યો ત્યાગ-તમને સલામ મેઘાણી
હજી મને પડઘાય સોરઠના આયરડાના રાસ-તમને સલામ મેઘાણી
હવે મને સમજાય દેવરો-આણલ કેરી પ્યાસ-તમને સલામ મેઘાણી
ઘેલાશા વર્ણવતા જેની કલમ બને તલવાર-તમને સલામ મેઘાણી
ગાંધીને મૂલવતા કલમ થૈ તંબુરાનો તાર-તમને સલામ મેઘાણી
વાહ ભીમાનું ભાલું અમને હળવાફૂલ બનાવે-તમને સલામ મેઘાણી
'મોર બની થનગનાટ' અમારી છાતી ગજ ફૂલાવે-તમને સલામ મેઘાણી
સહજ સાધ્ય શૃંગાર તમારી કવિતાયું મહેકાવે-તમને સલામ મેઘાણી
ખારવણની ખમીરાઈ ઉપર જે આંસુડા લુંટાવે-તમને સલામ મેઘાણી
દુહા-છંદ,ગીતો-વાતોને રજુ કરી છે સાચે-તમને સલામ મેઘાણી
ધન્ય હાલરડા ધન્ય રાહ્ડા, લગ્નગીત જ્યાં નાચે-તમને સલામ મેઘાણી
ઈ તેજસ્વી આંખોને અણીયાણી કાળી મૂંછો-તમને સલામ મેઘાણી
ઈ ફેંટો, ઈ બંડીને ઈ જવામર્દનો જૂસ્સો-તમને સલામ મેઘાણી
મર્દાઈના માપદંડ માણસાઈના છોગાં-તમને સલામ મેઘાણી
અમે રૂપકના ફીફાં ખાંડી ઉભા કોરા રોગા-તમને સલામ મેઘાણી
વાતુનો સમદર વલવીને દીધા અઢળક મોતી-તમને સલામ મેઘાણી
લોક્ચારાને, લોક ધરમને, લોક્વેદને ગોતી-તમને સલામ મેઘાણી
લાજવાબ લહિઆ કાવ્યના કરાફાટ કવિરાજ-તમને સલામ મેઘાણી
માનવ સંવેદનનો જુગ જુગ જૂનો એક અવાજ-તમને સલામ મેઘાણી
હવે તમારી છબીયું જોઈ શબદો ગાયા કરશું-તમને સલામ મેઘાણી
રાષ્ટ્રપ્રેમના આ ઝરણામાં નિતનિત નાયા કરશું-તમને સલામ મેઘાણી
તમે જીવતી લોકકથાને તમે અનોખી આંધી-તમને સલામ મેઘાણી
કલમ તમારી થઇ ગઈ વ્હાલા,વિરબંકાની ખાંભી-તમને સલામ મેઘાણી
'સાંઈ' શબદનાં પુષ્પો લઈને ઉભો છે તમ દ્વાર-તમને સલામ મેઘાણી
ફરી જનમ લઇ, ગુર્જર માટે - વરસો અનરાધાર...!-તમને સલામ મેઘાણી
- સાંઈરામ દવે