એક દીકરીની વેદના
એક દીકરીએ કાગળ લખ્યો માતાને સરનામે,
સરનામામાં પોસ્ટ કરુણા,મુકામ મમતા ગામે,
એક લાખ સપનાઓ માડી મેં તો ઉદરમાં જોયા,
પણ મારી હત્યા પાછળ ના કોઈ હૃદયથી રોયા,
હું ધલવલતી કે દીકરો ના બની શકી એ ડામે,
સરનામામાં પોસ્ટ કરુણા,મુકામ મમતા ગામે...
તું'ય કોકની દીકરી યાદ છે તું'ય કોકની થાપણ !
વાંક શું મારો કાં આપ્યું આ જનમની પેલા ખાપણ,
તું દીકરા માટે ઝંખે પણ કલંક મા ના નામે,
સરનામામાં પોસ્ટ કરુણા,મુકામ મમતા ગામે...
ભૃણની હત્યા નથી માત્ર આ છે મમતાનું મોત,
તારા એક આ ક્રૂર વિચારે બુઝી કરુણા જ્યોત
ઓળખી જાજે આવીશ જલદી ડોક્ટર થઈને,સામે
સરનામામાં પોસ્ટ કરુણા,મુકામ મમતા ગામે...
હવે ભાઈલો જન્મે ત્યારે દે જે ચુમ્મી મારી,
આવજે મમ્મી ક્યાંક હજી છે મારી ઇન્તેજારી,
હવે તો દીકરો તારો વૃદ્ધાશ્રમ મોકલે તો જામે,
સરનામામાં પોસ્ટ કરુણા,મુકામ મમતા ગામે...
દીકરીને કોઈ જનમ ન દેશે દીકરા કેમ પરણશે?
બંધ કરો આ પાપ માફ તો ઈશ્વર પણ નાં કરશે,
'સાંઈ' દીકરીનો કાગળ લઇ ફરતો ગામે ગામે,
સરનામામાં પોસ્ટ કરુણા,મુકામ મમતા ગામે...
- સાંઈરામ દવે