લેબલ ભજન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ભજન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 23 નવેમ્બર, 2012

બહુ કનડે છે કાનો



બહુ કનડે છે કાનો રે માતાજી તારો !
બહુ કનડે છે કાનો.

સુતેલા છોકરાને જઈને જગાડે, (૨)
ચીટીયા ભરે છાનોમાનો રે માતાજીo

માણસ દેખીને મારી કરે છે મશ્કરી (૨)
નથી હવે કાઈ નાનો રે માતાજીo

મહી માખણ તો ચોરે છીકેથી,(૨)
એવો શું સ્વભાવ છે એનો રે માતાજીo

શું કરીએ માત આવે શરમ તમારી, (૨)
નહીત્તર નથી માણસ કઈ સારો  રે માતાજીo

દાસ સવો કહે જરા વારો જશોદા મૈયા,(૨)
એને બોધ ન લાગે બીજાનો  રે માતાજીo

રવિવાર, 19 ફેબ્રુઆરી, 2012

સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા


સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા,
નથી મફતમાં મળતા રે એના મૂલ ચૂકવવા પડતાં.
                                  સંતને સંતપણા રે...

ભરી બજારે કોઈ વેચાણા. કોઈ તેલ કડામાં બળતા (૨)
કાયા કાપી કાંટે તોળી કોઈ હેમાળો ગળતા.
                                  સંતને સંતપણા રે...

કરવત મેલી માથા વેર્યાને કાળજા કાપીને ધરતા (૨)
ઝેર પીધાં ને જેલું ભોગવી સાધુડા સુળીએ ચડતા.
                                  સંતને સંતપણા રે...

પ્યારા પુત્રનું મસ્તક ખાંડીને ભોગ સાધુને ધરતા (૨)
ઘરની નારી દાનમાં દેતાં, જેના દિલ જરી નવ ડરતા.
                                  સંતને સંતપણા રે...

પર દુઃખેરે જેનો આતમ દુઃખીયો રુદિયો જેના રડતાં (૨)
માન મોહને મમતા ત્યાગી જઈને બ્રહ્મમાં ભળતા.
                                  સંતને સંતપણા રે...

ગુરુ પ્રતાપે ભણે પુરુષોતમ જેના ચોપડે નામ ચડતા (૨)
એવા સંતને ભજતા જીવડાં ભવના બંધન ટળતા.
                                  સંતને સંતપણા રે...

ભાવે ભજીલ્યો ભગવાન


તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું.
કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું.

એને દીધેલ કોલ તમે ભૂલી ગયા,
જુઠી માયાને મોહમાં ઘેલા થયા.
         ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન. જીવન થોડું રહ્યું...

બાળપણને જુવાનીમાં અડધું ગયું.
નથી ભક્તિના મારગમાં ડગલું ભર્યું.
         હવે બાકી છે તેમાં દયો ધ્યાન. જીવન થોડું રહ્યું...

પછી ઘડપણમાં શંકર ભજાશે નહિ,
લોભ વૈભવ ને ધનને તજાશે નહિ.
         બનો આજથી પ્રભુમાં મસ્તાન. જીવન થોડું રહ્યું...

જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો,
કઈંક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો,
         છીએ થોડા દિવસના મહેમાન. જીવન થોડું રહ્યું...

પછી આળસમાં દીન બધા વીતી જાશે,
પછી ઓચિંતું યમનું તેડું થશે,
         નહિ ચાલે તમારું તોફાન. જીવન થોડું રહ્યું...

આ બંગલાનો બાંધનાર કેવો


આ બંગલાનો બાંધનાર કેવો..આ બંગલો કોણે બનાવ્યો
લોઢું નથી આમાં લાકડું નથી રે, નથી ખીલા નથી ખીલી ...આ બંગલો...
ઇંટો નથી આમાં ચૂનો નથી રે, નથી સિમેન્ટ નથી રેતી ...આ બંગલો...

આરે બંગલામાં દશ દરવાજા, નવસો નવાણું છે નાડી આ ...
કડિયા કારીગરની કારીગરી કેવી, પાણીની બાંધી હવેલી ...આ બંગલો...
બંગલો બનાવી જીવાભાઇને પધરાવ્યા નથી દેતાં કાંઈ ભાડું ...આ બંગલો...

નટવર શેઠની નોટીસો આવી, અમારાં ચોપડામાં નામું...આ બંગલો ખાલી કરવાનો
ઉઠો જીવાભાઈ જમડા બોલાવે, માલિકની ખૂટી મહેરબાની...આ બંગલો...
બુદ્ધિ શેઠાણી શેઠને સમજાવે, હવે સમજો તો કાંઇક સારું...આ બંગલો...

પાછું વળીને શું જુઓ છો જીવાભાઈ ખૂટી મહેરબાની...આ બંગલો...
જીવલડો ડરીને ગયો પ્રભુ શરણે, તારશે પ્રેમ નગરવાળો...આ બંગલો...

મંગળવાર, 8 નવેમ્બર, 2011

પ્રથમ પહેલા સમરીએ

પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા,
રિદ્ધિસિદ્ધિના દેવ દેવતા, મહેર કરો મહારાજ (૨)

માતારે જેના પાર્વતી સ્વામી તમને સુંઢાળા
પિતા શંકર દેવ દેવતા, મહેર કરો મહારાજ (૨)

ઘી સિંદુરની સેવા ચડે,સ્વામી તમને સુંઢાળા
ગળામાં ફૂલડાની હાર દેવતા, મહેર કરોને મહારાજ (૨)

કાનમાં કુંડળ ઝળહળ સ્વામી તમને સુંઢાળા
ગળામાં મોતીડાની માળ દેવતા મહેર કરોને મહારાજ

પાંચ લાડુ તમને પાય ધરું સ્વામી તમને સુંઢાળા
લડી લડી પાય લાગુ દેવતા મહેર કરોને મહારાજ (૨)

રાવતરણશીની વિનતી સ્વામી તમને સુંઢાળા
ભક્તોને હો જો સહાય દેવતા, મહેર કરો મહારાજ (૨)

રવિવાર, 6 નવેમ્બર, 2011

ગણપતિ દાતા મેરે દાતા

તમે ભાંગો મારા દલડાની ભ્રાતા...
તમે ખોલો મારા રૂદિયાના તાળા...
                      મારા દુખ દારિદ્રય મટી જાતા...
                      ગણપતિ દાતા મેરે દાતા

મૂળ મહેલમાં વસે ગુણેશા
ગુરુ-ગમસે ગમ પાતા... ગુણપતિ દાતા
                      રૂમઝુમ રૂમઝુમ નેપુર બાજે
                      મધુર ચાલ ચલંતા.. ગુણપતિ દાતા

ખીર ખાંડને અમૃત ભોજન...
ગુણપતિ લાડુડા પાતા...
                      ધૂપ ધ્યાનને કરું આરતી
                      ગુગળના ધૂપ હોતા..ગુણપતિ દાતા

તોરલ પુરીજી રૂખડિયો બોલ્યા
મરજીવા મોજું પાતા...
                      ગુણપતિ દાતા

શુક્રવાર, 4 નવેમ્બર, 2011

નંદબાવાને માતા જશોદાજી સાંભરે

નંદબાવાને માતા જશોદાજી સાંભરે,
                 મમતા રે મોટી રે મારી રહી ગઈ ગોકુળમાં.         - નંદબાવાનેo

છપ્પન ભોગ અહીં રોજ પીરસાતા (૨)
                  પણ માખણને રોટી મારી રહી ગઈ ગોકુળમાં.     - નંદબાવાનેo

સોનાના થાળ અહીં સોનાના કટોરા, (૨)
                   પણ રૂડી મારી ત્રાંસડી રહી ગઈ ગોકુળમાં.         - નંદબાવાનેo

સિતાર-સારંગીના ગીત અહીં ગુંજતા, (૨)
                   પણ વાલી મારી વાંસળી રહી ગઈ ગોકુળમાં.     - નંદબાવાનેo

હીરા માણેકના ઝળહળતા હાર અહીં, (૨)
                    તુલસીને ગુલછડી રહી ગઈ ગોકુળમાં.               - નંદબાવાનેo

મણિમય રત્નજડીત મુગટ અહીં શોભતા,(૨)
                     પણ મોરપીંછ પાઘડી રહી ગઈ ગોકુળમાં.         - નંદબાવાનેo

હેમર હાથીડા અહીં ઝૂલે અંબાડી,(૨)
                      પણ ગોરી મારી ગાવડી રહી ગઈ ગોકુળમાં.     - નંદબાવાનેo

મોજડી મુલાયમ શોભતી રે મખમલ શાપાએ,(૨)
                      ચંદન ચાખડી રહી ગઈ ગોકુળમાં.                   - નંદબાવાનેo

ઓધવ જઈને રુત રાધિકાને કે'જો,(૨)
                      કે અમી ભરી આંખડી રે રહી ગઈ ગોકુળમાં.     - નંદબાવાનેo


નંદબાવાને માતા જશોદાજી સાંભરે,
                     મમતા રે મોટી રે મારી રહી ગઈ ગોકુળમાં.        - નંદબાવાનેo

સોમવાર, 24 ઑક્ટોબર, 2011

હંસલા શિવને રટીલે

મળ્યો તને માનવ અવતાર હંસલા શિવને રટીલે,
વાંકો કોઈ કરશે ન વાળ હંસલા શિવને રટીલે.

જગતના ચોકમાં આવ્યો તું જ્યારથી
ભૂલી ગયો રામને માયાવી પ્યારથી
વધ્યો માથે દેવાનો ભાર હંસલાo

સંપતિમાં સુખ નથી સાચું જીવનનું
કરતો સદાય તું ધાર્યું તારા મનનું
જાણ્યો નહિ જિંદગીનો સાર હંસલાo

ઝાંઝવાના જળ જોઈ દુર દુર ભટક્યો
આશાના તંતુએ અધ્ધર તું લટક્યો
કામ નહિ આવે પરિવાર હંસલાo

ભક્તિને પંથ જાતા ભક્તો સાંભળજો
મૂડી ઝાઝી ભજનની બાંધજો
થઇ જાયે ત્યારે બેડો પાર હંસલાo

શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2011

હું ગાંડો નથી રે હું કાઈ ઘેલો નથી રે


હું ગાંડો નથી રે હું કાઈ ઘેલો નથી રે,
કોઈનો છેતરો છેતરાવ એવો ભોળો નથી રે.

ચાર પાંચ ફૂલ લઇ મને ચઢાવે,
ઇનામ મેળવવા માનતા માને,
                પાંચ ફૂલે પાંચ લાખ દેતો નથી રે.            -હું ગાંડોo

ચપટી ચોખા લઇ મંદિરીયે આવે,
મારા ઉપર હો ફદીયા ફગાવે,
                એવા પીતળિયા હું કાઈ લેતો નથી રે.         -હું ગાંડોo

મારા બનાવેલા મને બનાવે,
ગર્ભવાસ ના કોઈને ભુલાવે,
                વખત આવે ત્યારે મેલતો નથી રે.             -હું ગાંડોo

મારા નામની ફિલમ ઉતારે,
ભોળા લોકોને જોવા લલચાવે,
                અર્ધાની ટીકીટમાં હું સસ્તો નથી રે.            -હું ગાંડોo

રવિવાર, 11 સપ્ટેમ્બર, 2011

લેતા શ્રી રામનું નામ દુનિયા લાજી મરે છે


લેતા શ્રી રામનું નામ દુનિયા લાજી મરે છે.(૨)

રામ નામ લેતા એની જીભલડી દુઃખે,
        પારકી નિંદામાં હોશિયાર, દુનિયા લાજી મરે છે.

મંદિરે જતા એના પગડિયા દુઃખે,
        ફરી આવે આખું ગામ, દુનિયા લાજી મરે છે.

દાન પુણ્ય કરતા એના હાથડીયા દુઃખે,
        અફળ બધું જાય, દુનિયા લાજી મરે છે.

ધુન બોલે ત્યારે કોઈ ન આવે,
        ગાળું બોલે તો ભેગા થાય, દુનિયા લાજી મરે છે.

ભજનમાં જતા એને નીંદરડી આવે,
        ફિલ્મ જોવામાં હોશિયાર, દુનિયા લાજી મરે છે.

લેતા શ્રી રામનું નામ દુનિયા લાજી મરે છે.(૨)

અગડ બમ શિવ લહેરી


બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાવે,
        અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી.

નારદજીની વીણા બોલે, શિવજીનું ડમરુ બોલે,
        શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)

ગંગાજીની ધારા બોલે, ઘટોઘટ માંહી બોલે,
        શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)

શ્યામ કેરી બંસી બોલે, મીરાનો એકતારો બોલે,
        શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)

બ્રહ્માજીના વેદ બોલે, અંતરના ભેદ ખોલે,
        શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)

નરસિંહનો કેદારો બોલે, સંગ એકતારો બોલે,
        શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)

બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાવે,
        અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી.

તું તો માળા રે જપીલે રાધેશ્યામની


તારી એક એક પળ જાય લાખની,
        તું તો માળા રે જપીલે રાધેશ્યામનીo

ખાલી આવ્યા ખાલી જાશું,
        સાથે શું લાવ્યા શું લઇ જાશું ?
જીવન ધન્ય રે બનાવો ભક્તિભાવથી,
        તું તો માળા રે જપીલે રાધેશ્યામનીo

જુઠા જગના જુઠા ખેલ,
        મનવા તારું મારું મેલ.
હવે છોડી દેને ચિંતા આખા ગામની,
        તું તો માળા રે જપીલે રાધેશ્યામનીo

તારી એક એક પળ જાય લાખની,
        તું તો માળા રે જપીલે રાધેશ્યામનીo

શિવજીનું ડમરુ ડમ ડમ વાગે


શિવજીનું ડમરુ ડમ ડમ વાગે,
        શિવજીના ત્રણ લોક ગાજે,
        હો ડમરુ ડમ ડમ વાગેo

કૈલાસમાંથી ભોળાનાથ આવ્યા,
        પાર્વતીએ ચોખલે વધાવ્યા કે,
        શિવજીનું ડમરુ ડમ ડમ વાગેo

અયોધ્યામાંથી રામ આવ્યા,
        સીતાજીએ મોતીડે વધાવ્યા કે,
        શિવજીનું ડમરુ ડમ ડમ વાગેo

ગોકુળમાંથી શ્રીકૃષ્ણ આવ્યા,
        રાધાજીએ ફૂલડે વધાવ્યા કે,
        શિવજીનું ડમરુ ડમ ડમ વાગેo

શિવજીનું ડમરુ ડમ ડમ વાગે,
        શિવજીના ત્રણ લોક ગાજે,
        હો ડમરુ ડમ ડમ વાગેo

कभी राम बनके कभी श्याम बनके


कभी राम बनके कभी श्याम बनके,
      चले आना प्रभुजी चले आनाo
तुम राम रूपमे आना,
      सीता साथ लेके, धनुष हाथ लेके,
      चले आना प्रभुजी चले आनाo

तुम श्याम रूपमे आना,
      राधा साथ लेके, बंसी हाथ लेके,
      चले आना प्रभुजी चले आनाo

तुम विष्णु रूपमे आना,
      लक्ष्मी साथ लेके, चक्र हाथ लेके,
      चले आना प्रभुजी चले आनाo

तुम शंकर रूपमे आना,
      पार्वती साथ लेके, त्रिशूल हाथ लेके,
      चले आना प्रभुजी चले आनाo

कभी राम बनके कभी श्याम बनके,
      चले आना प्रभुजी चले आनाo

હર હર શંભુ ભોળા તમારી ધુન લાગી


હર હર શંભુ ભોળા તમારી ધુન લાગી,
        તારી ધુન લાગી ભોળા તારી ધુન લાગી.

પાર્વતીના પ્યારા તમારી ધુન લાગી,
        ડાક ડમરુ વાળા તમારી ધુન લાગી.

તારી ધુન લાગી ભોળા તારી ધુન લાગી,
        કૈલાસના વાસી તમારી ધુન લાગી.

તારી ધુન લાગી ભોળા તારી ધુન લાગી,
        ગણપતિના પિતા તમારી ધુન લાગી.

તારી ધુન લાગી ભોળા તારી ધુન લાગી,
        હર હર શંભુ ભોળા તમારી ધુન લાગી.

વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય


વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo
શ્રવણ કાવડ લઈને ફરતો,
સેવા માત-પિતાની કરતો,
                        તીરથે તીરથે ડગલા ભરતો
                ચાલ્યો જાય જાય જાય.
વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

શ્રવણ ચાલ્યો ઘડુલો ભરવા,
સેવા માત-પિતાની કરવા,
ઘડુલો ભરતા મૃગલા જેવા
શબ્દો થાય થાય થાય.
વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

દશરથ મૃગલા રમવાને આવે,
શબ્દ સુણીને બાણ ચલાવે,
                એ બાણે શ્રવણનો જીવ છોડી,
                ચાલ્યો જાય જાય જાય.
વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

અંધ માત-પિતા ટળવળતા,
દીધો શ્રાપ જ મરતા-મરતા.
                દશરથ પુત્ર વિયોગે મરતા
                કરતા હાય હાય હાય.
વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

જ્યારે રામજી વન સંસરીયા,
દશરથ પુત્ર વિયોગે મરિયા.
                અમૃત કહે દુઃખના દરિયા,
                ઉભરાય જાય જાય જાય.
વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

મનનો મોરલિયો રટે તારું નામ


મનનો મોરલિયો રટે તારું નામ,
        મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
એકવાર આવી પુરો હૈયા કેરી હામ,
        મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.

સુરજ ઉગે ને મારી ઉગતી રે આશા,
        સંધ્યા ઢળે ને મને મળતી નિરાશા.
રાત-દિવસ મને સુઝે નહિ કામ,
        મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.

આંખલડી એ મને ઓછું દેખાય છે,
        દર્શન વિના મારું દિલડું દુભાય છે.
નહિ રે આવો તો વા’લા જશે મારા પ્રાણ,
        મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.

એકવાર વા’લા તારી ઝાંખી જો થાયે,
        આંસુઓના બિંદુથી જોવું તડપાયે.
માંગુ સદાય તારા ચરણોમાં વાસ,
        મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
મનનો મોરલિયો રટે તારું નામ,
        મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.