લેખિકા : વાઘેલા ઉષાકિરણબેન
આ.શિ. ઝુંડાળા પ્રાથમિક શાળા
બાળકની
કલ્પનાઓ વિશેની કવિતા
વનવગડે ફરવું ને
જંગલમાં મહાલવું,
કુણા તરણા ખાવાને
હળીમળીને રમવું,
બની જાઉં હરણું તો
દોડવું ગમે,
દોડવું ગમે, મને
દોડવું ગમે.
રહેવું ઘરના છાપરે
કે મંદિરના ગોખમાં,
ચણ ચણ ચણવું ને ગળું
ફુલાવી ફરવું,
બની જાઉં પારેવું તો
ઉડવું ગમે,
ઉડવું ગમે મને ઉડવું
ગમે.
ફૂલડે ફૂલડે ફરવું
ને મસ્તીથી મહાલવું,
આનંદથી ઉડવું ને
બાગ-બગીચે ભમવું,
બની જાઉં ભમરો તો
ગુનગુન કરું,
ગુંજન કરું હું તો
ગુંજન કરું.
બાગ-બગીચે ખીલવું ને
મંદિરમાં ધરવું,
રંગબેરંગી સુંદર
મજાનું,
બની જાઉં ફૂલડું તો
ફોરમવું ગમે,
ફોરમવું ગમે મને
ફોરમવું ગમે.
ફૂલડે ફૂલડે બેસવું
ને આમતેમ ઉડવું,
રંગબેરંગી પાંખો
લઈને નાનું મજાનું,
બની જાઉં પતંગિયું
તો ઉડવું ગમે,
ઉડવું ગમે મને ઉડવું
ગમે.
વનની વનરાઈ કે નદી
કાંઠે ઝાડીમાં,
પીંછા લહેરાવું ને
કળા કરીને નાચું,
બની જાઉં મોરલિયો તો
ટહેકવું ગમે,
ગહેકવું ગમે મને
ગહેકવું ગમે.
પહાડોની વચ્ચે ને
જંગલ કેરી કેડીએ,
ઉપરથી પછડાવું ને
મીઠા સંગીત રેલાવું,
બની જાઉં ઝરણું તો
રેલાવું ગમે,
રેલાવું ગમે મને
રેલાવું ગમે.
ખારા ખારા સાગરમાં
કે નદી-સરવરમાં,
પાણીમાં તરતી ને
આમતેમ ફરતી,
બની જાઉં માછલી તો
તરવું ગમે,
તરવું ગમે મને તરવું
ગમે.
હરિયાળા ખેતરમાં કે
ધરતી પર લહેરાઉં,
મંદ મંદ હવાની શીત
લહેરખી બનીને,
બની જાઉં પવન તો
લહેરાવું ગમે,
લહેરાવું ગમે મને લહેરાવું
ગમે.
કાળી કાળી ઘેરી ઘટા
બનીને છવાય,
માનવ હૈયા જોઈ મન
હરખાય,
બની જાઉં વાદળી તો
વરસવું ગમે,
વરસવું ગમે મને
વરસવું ગમે.
હરિયાળા મેદાનમાં ને
નદીઓની ભેખડ પર,
ગાયો ને ચારવા સીમ
ને જંગલમાં,
બની જાઉં ગોવાળિયો
ને પાવો વગાડું,
પાવો વગાડું હું તો
પાવો વગાડું.
ગોકુળની ગલીઓમાં,
ગોપીઓના સંગમાં,
માખણ ચોરવું ને
બંસરી વગાડું,
બની જાઉં કનૈયો તો
રાસ રમાડું,
રમવું ગમે મને રમવું
ગમે.
બીજમાંથી નીકળું ને
મોટું મોટું થાઉં,
ફળ-ફૂલડાં ને છાંયડો
આપું,
બની જાઉં ઝાડવું તો
વરસાદ લાવું,
વરસાદ લાવું હું તો વરસાદ લાવું.
રોજ સવારે ઊગવું ને
સાંજે આથમવું,
દુનિયાને ઉર્જા ને
ગરમી આપું,
બની જાઉં સુરજ તો
અજવાળવું ગમે,
અજવાળવું ગમે મને અજવાળવું
ગમે.