લેખિકા : વાઘેલા ઉષાકિરણબેન
આ.શિ. ઝુંડાળા પ્રાથમિક શાળા
આકાશ
બે નાની આંખોથી
નજરના પહોંચે,
દુનિયા આખી ઉપર છવાયેલું રહેતું આકાશ.
વહેલી સવારથી સોનેરી
કિરણો પાથરતું,
મધ્યાહને ધરાવાસીઓને દઝાડતું આકાશ.
રંગબેરંગી પંખીઓના
કલરવથી ગુંજતું,
એમ જ જીવન સ્વપ્નને સમજાવતું આકાશ.
કાળી વાદળીઓ જળથી
ભરીને,
પશુપંખી ને માનવ હૈયા લહેરાવતું આકાશ.
રીમઝીમ વરસીને
રોમાંચ જગાડતું,
માદક મહેક પમારાવતું આકાશ.
અષાઢ-શ્રાવણની હેલીઓ
વરસાવતું,
મંદ-મંદ ધારે અમી વરસાવતું આકાશ.
જાણે કે પ્રિયજનનો
સ્પર્શ,
એવો રોમાંચ જગાવતું આકાશ.
સૃષ્ટિના સમગ્ર
જીવોને હરખાવતું,
તો ક્યારેક સૌને તાદાપાવતું આકાશ.
વીજળીના ચમકારથી
ઝગમગતું,
ને વાદળાના ગડગડાટથી ગભરાવતું આકાશ.
ક્યારેક તોફાની
બનીને સર્વનાશ નોતરતું,
ધરાને જાણે ધમરોળતું આકાશ.
ધરતીને આલીંગનમાં
લેવા મથતું,
તોયે સદાયે દુર જ રહેતું આકાશ.
સાત-સાત રંગોની
રંગોળી રચતું,
મેઘ ધનુષથી ખુબ શોભતું આકાશ.
ઉષા-સંધ્યાના રંગોને
ફેલાવતું,
પલપલ અવનવા રંગો બદલાવતું આકાશ.
ક્યારેક અમાસની
કાજળઘેરી રાત,
ને ક્યારેક પૂનમની ચાંદની પથરાવતું આકાશ.
અગણિત તારલાના હીરા
ઝળકાવતું,
દિવસે ચંદ્ર ને રાતે સુરજને છુપાવતું આકાશ.
ક્યારેક જાણે રૂના
ઢગલે ઢગલા,
તો ક્યારેક નિરભ્ર જણાતું આકાશ.
અવનવા આકાશે
સર્જતું,
જોતા જઈએ તેમ વિસ્મય સર્જતું આકાશ.
આમાં ક્યાંક છુપાયો
હશે ઈશ્વર ?
એવો સતત આભાસ કરાવતું આકાશ.