લેખિકા : વાઘેલા ઉષાકિરણબેન
આ.શિ. ઝુંડાળા પ્રાથમિક શાળા
હું તો
ચાહું કે,
ગ્રીષ્મના સંતપ્ત તાપમાં
સૌમ્ય લહેર સમીરની બની,
સર્વત્ર લહેરાઉં...
હું તો ચાહું કે,
ખળખળ હસતી રમતી
નીર વહાવતી નદી બની,
સાગરને મળવા જાઉં...
વળી ચાહું કે,
સમંદરના મોજાઓ વચ્ચે
ડોલતી કુદતી ઉછળતી નાવડી બનીને,
પેલે પાર જાઉં...
હું તો ચાહું કે,
આમ્રકુંજમાં ટહુકતી કોયલડીનું
મધુર કુંજન બનું...
વળી ચાહું કે,
સુંદર સુગંધિત ફૂલો પર
ઉડતા ભમરાનું ગુંજન બનું...
હું તો ચાહું કે,
રંગબેરંગી પાંખો લઈને
બાગમાં આમથી તેમ
પતંગિયું બની ઉડું...
વળી ચાહું કે,
નાનકડું ઝરણું બની,
પહાડની ટોચેથી નીકળી
ઝાડીઓની વચ્ચેથી
કુદકા મારતું દોડું...
હું તો ચાહું કે,
એક રૂપેરી માછલી બની
નિર્મળ નીરમાં આમતેમ દોડું
સંતાકુકડી રમું...
વળી ચાહું કે,
એક નાનું ભોળું મજાનું
પંખી બની અનંત
આકાશમાં ઉડું...
હું તો ચાહું કે,
સુંદર કોમલ સુગંધિત
નાનું પુષ્પ બની
ભગવાનના ચરણોમાં ચઢી જાઉં...
-‘ઉષા’