શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2011

બાવરચી


લેખક : વાળા પ્રતિક એમ.
આ.શિ. ઝુંડાળા પ્રાથમિક શાળા

બાવરચી

                                                રાજેશ ખન્નાની એક જૂની ફિલ્મ ‘બાવરચી’ વિષે વાત કરીએ. આ ફિલ્મમાં એક કુટુંબ છે જેમાં દરેક સભ્ય એકબીજાની સાથે ઝઘડ્યા જ કરે છે. તેમની એકબીજા પ્રત્યે અપેક્ષાઓની યાદી એટલી મોટી છે કે સામેની વ્યક્તિ એ યાદી પૂરી જ કરી શકે નહિ અને જ્યારે અપેક્ષા પૂરી ન થાય ત્યારે પે’લા અસંતોષ, ક્રોધ અને છેલ્લે મનભેદ ઉત્પન્ન થાય છે.

                        આપણે પણ આવું જ કરીએ છીએ. એક શિક્ષક તરીકે આપણે ઇચ્છીએ છીએ કે આપણા વર્ગનો દરેક વિદ્યાર્થી હોશિયાર હોય. આપણે એક વખત શીખવીએ અને બધાને બધું એક સાથે આવડી જાય. ખરેખર તો તમે અને હું બંને જાણીએ છીએ કે  અશક્ય છે.

                        પણ ચિંતા ન કરો. આપણી આવી આ માનસિકતાનો ઈલાજ પણ આ ફિલ્મમાં જ આપેલો છે. ફિલ્મમાં કામ કરવા માટે આવેલો નોકર (બાવરચી) બધી સમસ્યાઓને ખતમ કરી નાખે છે.તે બે ભાઈઓ વચ્ચે સમાધાન કરવા માટે એવી ખોટી વાત કરે છે કે બીજો ભાઈ તેના વખાણ કરતો હતો. ટૂંકમાં, એ દરેક સભ્યને એ જ વાત કહે છે જે એને સાંભળવી ગમશે જ. એટલે એ એની અપેક્ષાઓને પૂરી કરે છે, શાબ્દિક રીતે.

                        આ જ વાત આપણે પણ કરવાની છે. વિદ્યાર્થીને થોડા વખાણ, થોડી પ્રશંસા અને થોડા પ્રોત્સાહનની જ જરૂર છે. અને એક સારો શિક્ષક એ ખુલ્લા મનથી આપતો જ રહે છે. યાદ રાખો, ખોટા વખાણ નહિ પરંતુ એવી બાબતોના વખાણ જેને બધા લોકો નજરઅંદાજ કરી દેતા હોય છે. એનામાં રહેલી નાનામાં નાની કળા કે બાબત કે જેના વખાણ કરવા જોઈએ.

                        પરંતુ આનાથી વિદ્યાર્થી હોશિયાર નથી થવાનો હો ! એ કહી દઉં.આનાથી વિદ્યાર્થી તમને પસંદ કરતો થશે અને તમે જે કામ એને પહેલા ફરજીયાત અથવા પરાણે કરાવતા હતા તે જ કામ હવે તે પોતાની ઈચ્છા અને ઉત્સાહથી કરશે. એટલે તમારા વિદ્યાર્થીની ૫૦% સફળતા પાકી.

                        હવે વિદ્યાર્થી જ્યારે કોઈ તોફાન કરે, કોઈ ભૂલ કરે તો જો એ ભૂલ શૈક્ષણિક હોય તો તમારે સુધારવાની અને જો તોફાન હોય તો એની પાસે સુધરાવો. એક વાત યાદ રાખજો કે સ્કુલના ગેટમાં આવ્યાથી બહાર નીકળ્યા સુધી તમારે બાળકોને હકારાત્મકતા જ આપવાની છે.

                        એક અઠવાડિયું અખતરો કરી જુઓ. અને હા તેનું પરિણામ મને જણાવાનું ન ભૂલતા !