આદીલ મન્સૂરી
પોતાનો કક્કો સાચો કરાવે છે આ નગર
બીજા બધાને ખોટા ઠરાવે છે આ નગર
સપનું બનીને ઊંઘમાં આવે છે આ નગર
આઘું રહીને કેવું સતાવે છે આ નગર
કઠપુતલી જેમ સૌને નચાવે આ નગર
ને કેવા કેવા કામ કરાવે આ નગર
માણસને જીવાતાય જલાવે આ નગર
પાછળથી ખાંભીઓય ચણાવે છે આ નગર
લંગસીયા નાખવા અને કિન્નાથી કાપવા
સૌને પતંગ જેમ ચગાવે છે આ નગર
આખ્ખુંય દ્રશ્ય લોહીમાં નીતરતું તરબતર
ગુટકાની જેમ સાંજને ચાવે છે આ નગર
ઘોંઘાટ,ભીડ,ધૂળ,ધુમાડો ને હુલ્લડો
જેવું છે તેવું લોકને ફાવે છે આ નગર
પડછાયા સાંજે પુછતા ભઠીયાર ગલીમાં
આદીલ હજીય આપને ભાવે છે આ નગર