દિવસ અને રાતને માણસનું સ્વરૂપ આપીને આ કવિતા લખી...
દિવસ રાતની પાછળ ઘેલો થયો છે,
લાગે છે એને પ્રેમ પહેલો થયો છે.
આખા દિવસનો થાક ઉતરી જાય છે ત્યારે,
રાત સાથે એની નજર મળી જાય છે જ્યારે.
રાતના પ્રેમમાં કેવો ચકચુર થયો છે ?
લાગે છે એને પ્રેમ પહેલો થયો છે.
એના દિલ પર કેટલાય ઘાવ થાય છે રોજ,
પડી પડીને ઉભો થાય છે એ રોજ,
એમ ને એમ ચકના ચુર થયો છે,
લાગે છે એને પ્રેમ પહેલો થયો છે.
સવારે એના ગાલ પર પ્રેમના નિશાન હોય,
સાંજ સુધી એની આંખમાં આંસુઓ જ હોય,
પ્રેમ એનો સળગીને પુર્ણ થયો છે,
લાગે છે એને પ્રેમ પહેલો થયો છે.
આવે છે દિવસની પાછળ સંધ્યા,
આવી મળે છે રોજ પેલી કોમળ પ્રભા,
તોય એ કેમ રાતનો શોખીન થયો છે ?
લાગે છે એને પ્રેમ પહેલો થયો છે.
પ્રેમની કેવી અનુપમ જોડી બનાવે છે ?
મળતા નથી અને મળશે નહિ એ વાત જાણે છે,
'આનંદ' આ પ્રેમનો આશિક થયો છે,
લાગે છે એને પ્રેમ પહેલો થયો છે.