દર્દની ઊંડી ખાઈમાં જોજો પડતા નૈ,
મળતી હોય એની નજર તોય મેળવતા નૈ,
રાંઝા, મહિવાલ સૌ કહે છે તમને,
થાતો હોય તોય યાર પ્રેમ કરતા નૈ.
કંટકોના માર્ગ પર ચાલવું પડશે,
ફૂલોના દીધેલ ઘાવ પર હસવું પડશે,
સેહરાનાં આ રણમાં ભૂલા પડતા નૈ,
થાતો હોય તોય યાર પ્રેમ કરતા નૈ.
જમાનો પાછળ તલવાર લઈને આવશે,
સબંધો બધા અધિકાર લઈને આવશે,
એની શૂળી પર તમારું શીશ મુકતા નૈ,
થાતો હોય તોય યાર પ્રેમ કરતા નૈ.
હસતી આંખને આંસુઓનો રોગ લાગશે,
દિલ અરમાનો અને સપનાઓનો ભોગ માગશે,
ભૂલથી પણ આવડી મોટી ભૂલ કરતા નૈ,
થાતો હોય તોય યાર પ્રેમ કરતા નૈ.
લાખો મરી ગયા હજારો તૈયાર બેઠા છે,
કાતિલની શમશેરમાં બસ બે જ છાંટા છે,
મહેકતું ઉપવન તમારું વેરાન કરતા નૈ,
થાતો હોય તોય યાર પ્રેમ કરતા નૈ.
રામ પાસેથી વફાદારીની ભાવના લેજો,
કૃષ્ણ પાસેથી મળે તો વિરહની વેદના લેજો,
'આનંદ' નહિતર પ્રેમમાં પગલું ભરતા નૈ,
થાતો હોય તોય યાર પ્રેમ કરતા નૈ.