ઝંખના
આજે આનંદ બહુ ખુશ છે. પોતાની પત્ની સારિકાને એ સરપ્રાઈઝ દેવાનો છે. બિચારી ઘણા સમયથી પોતાના ઘરમાં જ પુરાઈ ગઈ હતી. પોતે પૈસા અને સુખ સગવડની લાલચમાં એટલો વ્યસ્ત થઇ ગયો હતો કે ક્યારે એ પોતાની પત્નીથી દુર થઇ ગયો એનો એને પણ ખ્યાલ ન રહ્યો.
સ્ટીયરીંગ પર હાથ રાખીને ગાડી ચલાવતા ચલાવતા જ એ એના અને સારિકાના ભૂતકાળના સંસ્મરણો માં ખોવાઈ ગયો. જ્યારે એણે પહેલીવાર એને જોઈ હતી ત્યારે પોતે એની સુંદરતામાં એટલો ખોવાઈ ગયેલો કે મિત્રને એના મેરેજની વધામણી દેવાનું જ ભૂલી ગયો. એ હતી એની પહેલી મુલાકાત. આમ તો એ પણ દેખાવડો અને પૈસાદાર હતો પણ આજસુધી કોઈ છોકરી એના ઉપર આટલી અસર નો'તી કરી શકી જેટલી અસર સારિકા ની ખાલી એક નજરથી થઇ હતી. શોભનાબેન, આનંદના મમ્મીને આ વાત સમજતા જાજી વાર ન લાગી અને એમણે સારિકા વિશે લગ્નમાં આવેલા બીજા સબંધીઓ પાસેથી માહિતી લઇ લીધી અને એમને પણ એ ખુબ ગમી હતી.સારિકા કોલેજના છેલ્લા વર્ષમાં હતી અને એના દેખાવને લીધે એને ત્યાં લગ્નનાં અનેક પ્રસ્તાવો આવી ગયેલા પણ એના પિતા જાણતા હતા કે એની દીકરી અમુલ્ય રત્ન જેવી છે. અને એટલે જ એના યોગ્ય વરની શોધમાં હતા.
ત્રેવીસ વર્ષની સારિકામાં યુવાની તો બહુ વહેલા પ્રવેશી ચુકી હતી પણ આજસુધી એની નજર પણ કોઈ છોકરા પર ઠરી નહોતી. એની સુંદરતાનું એને અભિમાન તો નો'તું પણ માન જરૂર થી હતું.
ખેર, આનંદ અને સારિકાની જોડી જાણે ભગવાને જ નક્કી કરી હોય એમ થોડાક જ દિવસોમાં એમના લગ્નની વાત ચાલી અને લગ્ન થઇ પણ ગયા. બંનેને એમનો એ જીવનસાથી મળી ગયો જેની એમને રાહ હતી. સારિકા માટે તો જિંદગી જાણે સોળે કળાએ ખીલેલ ગુલાબ બની ગઈ હતી. હવે એને કાઈ જોતું નહોતું. એની પાસે બધું જ હતું, પ્રેમાળ પતિ, માતા જેવા સાસુ અને સુખી સંપન્ન કુટુંબ.
પણ આનંદ તો સારિકાને દુનિયાની બધી જ ખુશીઓ આપવા માગતો હતો અને એટલે જ છેલ્લા એક વર્ષથી પોતે પોતાના ધંધામાં એટલો વ્યસ્ત થઇ ગયો હતો કે ક્યારે એ સારિકાથી દુર થઇ ગયો એની એને ખબર પણ ન રહી. સારિકાને એનો પ્રેમ જોઈતો હતો, નઈ કે પૈસા. પણ આ વાત એ નહોતો સમજી શકતો.
પણ આજે એમના લગ્નની પાંચમી વર્ષગાંઠ છે. અને પોતે એક ઓફિસિઅલ કામ માટે મુંબઈ જાય છે એવું એણે સારિકાને કીધેલું કેમ કે એ એને સરપ્રાઈઝ પાર્ટી આપવા માગતો હતો. હોટેલ પણ બુક કરી લીધી હતી. બધું જ ગોઠવાઈ ગયું હતું. હવે એ પોતાના દિલના ટુકડાને એના લેવા ઘરે જતો હતો.
રાતના દસ વાગ્યા હતા. મમ્મી તો એના રૂમમાં સુઈ ગયા હતા. ઘરની એક ચાવી એની પાસે હતી એટલે પોતે ડોરબેલ વગાડ્યા વિના જ ઘરમાં આવ્યો. અને ધીમા પગે પોતે બેડરૂમપાસે જઈને દરવાજો ખોલ્યો.
પણ સામેનું દ્રશ્ય જોઈને એ સ્તબ્ધ થઇ ગયો. એની સારિકા, એની પત્ની, રાજકુમારી કોઈ બીજા પુરુષની બાહોમાં લપેટાયેલી હતી. એના હાથમાં રહેલી ગીફ્ટ સરકી ગઈ અને એમાં રહેલું કાચનું દિલ તૂટ્યું . અને આ દિલ તૂટ્યાનો અવાજ સારિકાના કાન સુધી પહોંચ્યો પણ ખરો...
સારીકાએ આનંદને જોયો અને જાણે એના પર વજ્રઘાત થયો. એણે તરત પેલા પુરુષને દુર ધકેલી દીધો પણ દુર ધકેલવામાં એણે બહુ મોડું કરી નાખ્યું હતું.
"આનંદ !..."
પણ આનંદ વધુ કાઈ સાંભળી શકે એમ હતો જ નઈ. અથવા તો હવે એને સાંભળવા માટે કાઈ બાકી નો'તું રહ્યું. એ ચુપચાપ રૂમમાંથી નીકળી ગયો. હા, આવ્યો ત્યારે હળવા પગે જરૂર આવ્યો હતો પણ હવે તો એના પગ પર જિંદગીનો ભાર આવી ગયો હતો...
આનંદ પોતાના ગેસ્ટરૂમમાં જઈને બેડ પર ઢળી પડ્યો. એ કાંઈ સમજી ન શક્યો કે આ બધું શું થયુ ? કેમ થયુ ? કેટ કેટલા પ્રશ્નો એના મનમાં ઉભા થતા હતા અને દરેક પ્રશ્ન એના દિલમાં પણ અસહ્ય પીડા ઉભી કરતો હતો.
બીજી તરફ સારિકા પણ ખત્મ થઇ ગઈ હતી. એને ઘણું બધું કહેવું હતું આનંદને પણ હવે એનામાં એટલી હિંમત નહોતી. રાત જેમ જેમ વીતતી ગઈ એમએમ એનો ઘા ઊંડો નેઊંડો ઉતરતો ગયો.
બીજા દિવસે સવારે શોભનાબેન ઉઠ્યા અને સારિકા ઉઠી કે નઈ એ જોવા એના બેડરૂમમાં ગયા. અને દરવાજો ખોલતા જ એમનાથી ચીસ પડાઈ ગઈ. સારિકાનું શરીર પંખા પર લટકતું હતું. અને જે સુંદરતા લોકો કલાકો સુધી નીરખતા રેહતા હતા એના પર આજે શોભનાબેન બીજી નજર પણ નાખી શક્યા નહિ. એમણે આડોશી પાડોશી અને પોલીસને બોલાવ્યા. પોલીસને એક ચીઠી મળી...
વ્હાલા આનંદ,
હું તને મોં બતાવવાને લાયક નથીરહી. મને ખબર છે કે તું મને બહુ જ પ્રેમ કરે છે અને હું પણ તને બહુ જ પ્રેમ કરતી હતી અને કરું છું. પણ છેલ્લા એક વર્ષથી તે મને તારાથી દુર કરી નાખી. હું તારો પ્રેમ ઝંખતી હતી પણ તું તારી પૈસાની દુનિયામાં જ ખોવાઈ ગયો હતો. ત્રણ મહિના પહેલા મને મારો કોલેજનો મિત્ર મંથન મળ્યો. અમે શરૂઆતમાં એક મિત્ર તરીકે જ મળતા હતા. પણ જે લાગણીની ઝંખના મને તારી પાસેથી હતી એ મને મંથન પાસેથી મળવા લાગી. અને અમારા સબંધે પાપનું સ્વરૂપ લઇ લીધું. હું તને દગો દેવા નો'તી માગતી પણ કદાચ તું ભૂલી ગયો કે હું એક સ્ત્રી છું. શક્ય હોય તો મને માફ કરી દેજે...
ક્યારેક જે તારી હતી એ,
સારિકા
શોભનાબેન તો કાંઈ સમજી શકે એવી હાલતમાં જ નો'તા પણ સારિકાના પિતાની નજર હવે જમીનથી ઉપર થવા તૈયાર નહોતી. એટલીવાર માં જ પોલીસને એક ચીસ સંભળાણી. બધા દોડીને એ દિશામાં ગયા.
ગેસ્ટરૂમમાં જમીન પર આનંદનો લોહીથી લથબથ દેહ પડ્યો હતો. પોલીસે તપાસ કરી પણ બહુ મોડું થઇ ગયું હતું. એના બંને હાથની નસ કપાએલી હતી. ટેબલ ઉપર એક ચીઠી મુકેલ હતી જેમાં લખ્યું હતું કે...
સારિકા,
હું તને ખુબ જ પ્રેમ કરું છું અને કરતો રહીશ. કાલે રાતે મે તને જ્યારે પારકા પુરુષની બાહોમાં જોઈ ત્યારે મારી ઉપર શું વીત્યું એ હું તને નઈ કહી શકું. પણ હું એટલું તો સમજી જ ગયો કે હવે તું મારી સારિકા નથી રહી. કદાચ હું જ તને સમજી ન શક્યો. પણ એટલું તો સમજી જ ગયો કે હવે તારી જિંદગીમાં મારું કોઈ અસ્તિત્વ નથી. હું તને મારી સાથે પરાણે રાખીને દુઃખી કરવા નથી માગતો. પણ તને એટલો બધો પ્રેમ કરું છું કે તને છોડીને જીવી નઈ શકું. એટલે હું તારી દુનિયાને છોડી જાવ છું. શક્ય હોય તો મને માફ કરજે.
એક સમયે જે તારો હતો એ,
આનંદ