સોમવાર, 27 મે, 2013

માના હૈયાની દુઆ



શિર્ષક :- માના હૈયાની દુઆ
        ઘરમાં રોકકળ થતી હતી. બાઈ પોતાના નવા જન્મેલ બાળકને જોઈને રડી રહી હતી અને એના સાસુ એ બિચારીને છાની રાખવાના વ્યર્થ પ્રયત્નો કરતા હતા.
        છાની રહી જા બેટા, એના ને આપણા લખત અંજળ નહી હોય. માજી પોતાની આંખનો ખૂણો લુછતા લુછતા બોલ્યા.
        વાત એવી બની હતી કે ઘરમાં સુવાવડમાં એ સ્ત્રીએ એક મૃત બાળકને જન્મ દીધો હતો. નવ નવ મહિના જેણે એના પેટમાં રાખ્યો, પોતાના લોહીથી જેને નવું જીવન આપ્યું. એ જ જીવન ભગવાને કોઈપણ કારણવિના છીનવી લીધું હતું. જે માએ પોતાના બાળકને પે’લીવાર ધવડાવવાના, એને ઘોડીયામાં સુવડાવીને હાલરડા ગાવાના અને એના નાના નાજુક ગાલે વ્હાલની અનેક ચુમીઓ લેવાના સપના જોયા હોય એ પોતાના એ બાળકને વિદાય કેમ આપે ?  વિધાતાને પણ ક્યારેક આવી ક્રુર મશ્કરી કરવાનું મન થતું હશે ને ?
        માજીએ બાળકને એક ચાદરમાં વીંટેલું અને એના નિષ્પ્રાણ દેહને એ હવે એની માથી અલગ કરવા જતા હતા પણ માનું મન તો એને છોડવા જ માગતું નહોતું. જીવતું હોય કે મરેલું પણ એનું બાળક હતું. મા દુનિયામાં સૌથી મહાન એટલે જ કદાચ કહેવાતી હશે. ઘરનું દરેક માણસ એના આ દુઃખને સમજતું હતું પણ એ પણ લાચાર હતા.
        એ સ્ત્રીનો પતિ પણ ઘરની થાંભલી પાસે ઉદાસ ઉભો હતો. એના મનમાં પણ ઘણું દુઃખ હતું. પણ સમાજે એને વારસામાં આપેલા પુરુષત્વના અભિમાનને લીધે બીચાડો પોક મુકીને રડી પણ ન’તો શકતો. એણે પણ પોતાના બાળક માટે કેટલાય સપનાઓ જોયેલા. એને પા પા પગલી ચલાવશે, એનો ઘોડો બનીને એને રમાડશે અને આવા તો કેટલાય સપના.
        આ બધી રડારોળ હાલતી હતી ત્યાં બાપાની નજર આઘે હાલીને જતા નસબેન પર પડી. એ તરત ઉભા થઈને ઉતાવળા પગલે એમની પાસે ગ્યા.
બેન, મારા ઘરે હાલોને !
કેમ શું થ્યું, બાપા ?
મારી વહુને સુવાવડ આવી છે પણ બાળક... તમે એને જરાક જોઈ લ્યો ને ?
હાલો.
        નર્સબેન જેવા ઉંબરામાં દાખલ થયા માનું રોવાનું અટકી ગયું. ડુબતો તો તણખલુંય પકડે. બેને પેલા ચાદરમાં વીંટેલ બાળકને તેડીને પલંગ પર મુક્યું. હાથે અને ગળાએ બે બે આંગળી મુકીને જોયું. પણ કોઈ ધબકારો નહોતો. બેન તો નવા નવા નોકરીએ ચડેલા અને આ ગામમાં આવ્યે તો હજુ માંડ પંદર દિવસ થ્યા’તા. પણ આજે આ મૃત બાળકને જોઈને એ કાંઈ બોલી શકે તેમ નહોતા. પોતે આ માને શું કહે ? કેમ સમજાવે ? આવા તો કેટલાય વિચાર એના મનમાં આવીને જતા હતા. અચાનક એને પોતાનું ભણતર યાદ આવ્યું. એમને નર્સિંગની તાલીમમાં ક્યાંક ચોપડીમાં શીખવેલું એ યાદ આવ્યું.
        એમણે પેલા બાળકનું મોં ખોલીને એના મોઢામાં પોતે ફૂંક મારવા લાગ્યા. પાંચેક ફૂંક માંડ મારી હશે ત્યાં તો બાળકના પગે સળવળાટ થયો. અને જાણે એની માને બોલાવતું હોય એમ એ રડવા લાગ્યું. બેને હસતા હસતા એ બાળક એની માની ગોદમાં સોંપ્યું.
        અને આ વખતે પણ એ માની આંખમાં આંસુ તો હતા. પણ આ આંસુ તો હતા હરખના. બેન તો પછી પાછા પોતાના કામે જવા નીકળી ગયા. પણ ખબર નહિ આજે એમણે કેવડી મોટી દુઆ મેળવી હતી. માના હૈયાની દુઆ...