એક છોકરી મારાથી એવી રીસાઈ ગઈ,
કેમ રે મનાવું કેમ કેમ સમજાવું ?
તમે જ કયો શું હું કરું ને શું કરું નૈ ?
એક છોકરી મારાથી એવી રીસાઈ ગઈ.
નાજુક નમણી ને નટખટ દિલની,
ક્યારેક સવાર તો ક્યારેક રજની,
શું કહું કેવી કેવી લાગે છે ભઈ ?
એક છોકરી મારાથી એવી રીસાઈ ગઈ.
સુંદર સુશીલ અને પાછી ભોળી,
ક્યારેક સાવ એકલી ક્યારેક હોય ટોળી,
ક્યારેક બોલે હા તો ક્યારેક બોલે નૈ,
એક છોકરી મારાથી એવી રીસાઈ ગઈ.
ઝાંઝર જેવો એનો મીઠો કલરવ,
ક્યારેક શિવ બને ક્યારેક માધવ,
અદાઓ એની મને ક્યારેય સમજાય નૈ,
એક છોકરી મારાથી એવી રીસાઈ ગઈ.
પંડિત જ્ઞાની ને મનથી ચંચળ,
પાવન જાણે ગંગાનું નિર્મળ જળ,
ગોતવા જાતાંય જેની જોડ મળે નૈ,
એક છોકરી મારાથી એવી રીસાઈ ગઈ.
મનાવું એને લખીને આ કવિતા ?
પીવડાવું એને મેઘની સરિતા ?
'આનંદ' એને કહી દઉં હવે રીસાઈ નૈ,
એક છોકરી મારાથી એવી રીસાઈ ગઈ.