અધમણ સોનું ને અધમણ રૂપું;
તેનો
ઘડાયો ફૂલવેંઝણો રે !
વેંઝણો મેલીને અમે જલપાણી જ્યાં’તાં;
નાના
દિયરિયે સંતાડ્યો ફૂલવેંઝણો રે !
કાંતો દિયર ! તમને હાથીડા લઇ આલું;
આલો,
અમર ફૂલવેંઝણો રે !
તમારા હાથીડા ભોજાઈ ! ચઢતાં ન આવડે;
નથી
લીધો, ફૂલવેંઝણો રે !
કાંતો દિયર ! તમને ઘોડીલા લઇ આલું;
આલો,
અમર ફૂલવેંઝણો રે !
તમારા ઘોડીલા ભોજાઈ ! ખેલતાં ન આવડે;
નથી
લીધો, ફૂલવેંઝણો રે !
કાંતો દિયર ! તમને ધોરીડા લઇ આલું;
આલો,
અમર ફૂલવેંઝણો રે !
તમારા ધોરીડા ભોજાઈ ! હાંકતાં ન આવડે;
નથી
લીધો, ફૂલવેંઝણો રે !
કાંતો દિયર ! તમને વેલડીયો લઇ આલું;
આલો,
અમર ફૂલવેંઝણો રે !
તમારી વેલડીયો ભોજાઈ ! જોડતાં ન આવડે;
નથી
લીધો, ફૂલવેંઝણો રે !
કાંતો દિયર ! તમને જોટડીયો લઇ આલું;
આલો,
અમર ફૂલવેંઝણો રે !
તમારી જોટડીયો ભોજાઈ ! દો’તાં ન આવડે;
નથી
લીધો, ફૂલવેંઝણો રે !
કાંતો દિયર ! તમને બેની પરણાવું;
આલો,
અમર ફૂલવેંઝણો રે !
તમારી બેની ભોજાઈ ! હરખે પરણાવો;
સામો
પડ્યો ફૂલવેંઝણો રે !
અમારો હતો એ અમને રે આલ્યો !
તમને
પરણાવું કાળી કૂતરી રે !