રવિવાર, 28 ઑગસ્ટ, 2011

સોનલ ગરાસણી


સોનલ રમતી ગઢડાને ગોખ જો,
         રમતા જલાણી સોનલ ગરાસણી.

આડો આવ્યો સોનલ દાદાનો દેશ જો,
       સોનલે જાણ્યું કે દાદા છોડાવશે.
દાદાએ દીધા સોના કેરા દાન જો,
       તોય ના છૂટી રે સોનલ ગરાસણી.

આડો આવ્યો સોનલ કાકાનો દેશ જો,
       સોનલે જાણ્યું કે કાકા છોડાવશે.
કાકાએ દીધા રૂપા કેરા દાન જો,
       તોય ના છૂટી રે સોનલ ગરાસણી.

આડો આવ્યો સોનલ વીરાનો દેશ જો,
       સોનલે જાણ્યું કે વીરો છોડાવશે.
વીરાએ દીધા ઘોડલા કેરા દાન જો,
       તોય ના છૂટી રે સોનલ ગરાસણી.

આડો આવ્યો સોનલ સ્વામીનો દેશ જો,
       સોનલે જાણ્યું કે સ્વામી છોડાવશે.
સ્વામીએ દીધા માથા કેરા મોળિયાં જો,
       ધબકે છૂટી રે સોનલ ગરાસણી.

સોનલ રમતી ગઢડાને ગોખ જો,
       રમતા જલાણી સોનલ ગરાસણી.