નંદલાલાને માતા જશોદાજી સાંભરે
મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં.
સોના રૂપાના અહી વાસણ મજાના
કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં.
નંદલાલાને o
છપ્પન ભોગ અહી સ્વાદના ભરેલા
માખણ ને મિશરી મારી રહી ગઈ ગોકુળમાં.
નંદલાલાને o
હીરા માણેકના અહી મુગટ મજાના,
મોરપીંછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં.
નંદલાલાને o
હાથીને ઘોડા અહી ઝૂલે અંબાડીએ
ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળમાં.
નંદલાલાને o
સારંગીના સુર અહી કેવા મજાના?
વાલી વાલી વાંસળી મારી રહી ગઈ ગોકુળમાં.
નંદલાલાને o
રાધાજીને એટલું કહેજો ઓધવજી !
અમી ભરેલી આંખ મારી રહી ગઈ ગોકુળમાં.
નંદલાલાને o