માલમ મોટાં હલેસાં તું માર,
મારે
જાવું મધદરિયાની પાર
મેણું માર્યું છે મને ભાભલડીએ,
દે’ર
આળહનો સરદાર;
હે... ભાઈ કમાય ને ભાઈ ઘોડલાં ખેલવે,
એનો
બળ્યો અવતાર રે...માલમo
જાવું છે મારે જાવા બંદરે જ્યાં
લખમીનો નહિ પાર
હે... જાવે ગિયા કોઈ પાછા ન આવે,
આવે તો બેડલો પાર રે...માલમo
જાવું છે મારે સિંહલદ્વીપમાં
પરણવા પદમણી નાર;
હે... મોતીડે પોંખે જો ભાભલડી મારી
તો તો જીવવામાં સાર રે...માલમo
કેસરભીના તમે જીવો ભાભલડી મારાં
જીવો જીભલડીની ધાર;
હે... મેણા મારીને મારી મતિ સુધારી
ખોલ્યા તે મનના દ્વાર રે...માલમo
માલમ મોટાં હલેસાં તું માર,
મારે
જાવું મધદરિયાની પાર