|
આ છે ભાઈ ક્રિષ્ના અને એમના બેનશ્રી... |
શિર્ષક :- મારી રેલવે સફર (Suffer)
મારા એક મિત્રને પરણવાનું મન થયું. મન થયુ ઈ તો ઠીક પાછો મનેય બોલાવ્યો. હવે એમનામ પરણી જાય તો એનું શું બગડી જાય ? પણ એય મારા લગનમાં આવ્યો'તો અને ૧૦૧ નો ચાંદલો આપીને ૨-૩ ટાઈમ ઉભા ગળે ઝાપટી ગયો'તો. મને એ મિત્રનું એ જુનું વેર યાદ આવતા બદલો લેવાની પુરી તૈયારી સાથે હું તો નીકળી પડ્યો એને ભાંગવા. ( જોકે આમેય બીચાડો લગન કરીને ભંગાવાનો જ હતો ને ?)
એનું ગામ પોરબંદર અને ગોંડલથી આઘુંય બોવ થાય. એટલે રેલગાડીની જાત્રા કરવાનું નક્કી કર્યું. લગન કરતા રેલગાડીમાં બેસવાનો હરખ વધારે હતો. એટલે મોટા ઉપાડે આગલા દિવસે જ રિઝર્વેશન કરાવી લીધું. હરખ વસ્તુ એવી રઈ ને ?
સવારે આઠ વાગ્યાનો ગાડીનો ટાઈમ હતો પણ મને રેલ્વે ખાતા ઉપર ભરોસો નૈ. (આમ તો એકેય સરકારી ખાતા પર ભરોસો નથી.) એટલે વે'લા પાંચ વાગ્યે ઉઠવાનું નક્કી કરીને આલારામ મુક્યો. આલારામ પાંચ વાગ્યાનો હતો અને હું સાડા ચારે તો ઉઠી ગયો. અને સાત વાગ્યા ત્યાં તો જાણે હું જ પરણવા ન જાતો હોવ એમ તૈયાર થઇ ગયો. વાટ જોઈજોઈને સાત ના સાડા સાત કર્યા. અને પછી તો મોટા
ઉપાડે નીકળી પડ્યો. દોસ્તારને ભાંગવા, ઈ ખાઈ ગયો એનું વેર લેવા અને ખાસ તો રેલગાડીની મોજ લેવા.
પોણા આઠે ગોંડલના રેલ્વે સ્ટેશને પૂગ્યો. અને રેલગાડીની રાહ જોવા લાગ્યો. જાણે કોઈ પેલો નંબર આવશે એવી આશા સાથે રિઝલ્ટની રાહ જોઈ ને એમ. આઠ વાગે ગાડી આવી. અને હું મારી સીટ ગોતવા લાગ્યો. એક બે ડબ્બામાં ચડ્યો ત્યારે ખબર પડી કે સીટ ગોતતા પે'લા ડબ્બો ગોતવો પડશે. અને D2 59 સીટ નંબર હતા એટલે ગોતવા લાગ્યો પણ ક્યાંય મળે જ નઈ. કો'ક કે આગળ છે, કો'ક કે પાછળ છે. એમ હું તો કેરમની કુકરીની જેમ અહીંથી ત્યાં અને ત્યાંથી અહી થવા લાગ્યો. ત્યારે ડબ્બામાં સીટ પર બેઠેલો દરેક વ્યક્તિ મને પાછલા જન્મનો વેરી લાગતો. એક જાણીતા રેલવેના કર્મચારી પણ આ જ ગાડીમાં ગુડાણા હતા એટલે એમને ફોન કર્યો કે આ રેલવેવાળા રીઝર્વેશનનો ડબ્બો રાખે છે ક્યાં ? એમણે કીધું કે અત્યારે ગમે એમાં ઘરી જાવ, વિરપુરથી બેસાડી દઈશ. અને બગડેલ ભાખરી જેવું મોઢું કરીને હું એક ડબ્બામાં ચડી ગયો. અને મનમાં જ કીધું, "હે જલારામબાપા ! મને મારી સીટ મળી જાશે તો હું ગોંડલથી વિરપુર ઉભો ઉભો રેલગાડીમાં આવીશ. (આમેય બીજો કોઈ છુટકો તો હતો નઈ.)
ઉભા ઉભા મનમાં ને મનમાં કેટલાય વિચાર કરી લીધા. જો સીટ નઈ મળે તો ટી.સી. ની ગળચી પકડી લઈશ અને કહીશ કે મને સીટ દે બીજું કાઈ નઈ. અરે ! રેલવેવાળા ઉપર સીટ સાટું થઈને કેસ કરવાનુંય નક્કી કરી નાખ્યું. જેમતેમ કરતા કરતા વિરપુર આવ્યું અને ઓલા જુના જાણીતાને ફોન કર્યો. તો એ
પણ નીચે ઉતર્યો અને ફોનમાં કીધું કે આગલા ડબ્બામાં ગુડાવ અને ત્યાં ગુડાણો. જોયું તો આ રિઝર્વેશનવાળો જ ડબ્બો હતો. સિકંદર પછી મેં અડધી દુનિયા જીતી હોય એમ ખુશ થતા થતા મેં ડબ્બામાં વિજયપ્રવેશ કર્યો. ત્યાં તો એક માણસે બુમ મારી, "બોલ ભાઈ ?" મનમાં થયુ કે સિકંદરને કોણે બોલાવ્યો ?
જોયું તો એક વીર લાલટાઈવાળો, ઈનશર્ટ કરેલો અને પે'લીવાર નિશાળે ભણવા જાતો હોય એમ નવા નિશાળિયાની જેમ તૈયાર થયેલ ટી.સી. બેઠો હતો. જાણે આખી ટ્રેન મારા બાપાએ ખરીદી લીધી હોય એમ મેં એને મારી રિઝર્વેશનની ટીકીટ બતાવી. તો એ બોલ્યો, "ઓહ ! ગોંડલવાળા ભાઈ ! મને એમ કે તમે નથી
આવ્યા."
મેં મનમાં કીધું, "રાકેશ ! તો મારા નામની બુમ મારવી'તી ને ?" અત્યારે ટીકીટ જોઈ ત્યારે મને બ્રહ્મસત્ય મળ્યું કે મારી ટીકીટ D1 59 ની હતી અને હું D2 59 ગોતતો હતો. D2 નો ડબ્બો તો હતો જ નઈ. અને પાછી કઠણાઈ તો જુઓ. મારી 59 નંબરની સીટ પર એક બેન બેઠા હતા અને એની સાથે એનો દસ બાર વર્ષનો છોકરો હતો. (સિકંદરના જીતેલા રાજ પર બીજાનો કબજો હતો.) ટી.સી.એ કીધું કે, "તમારે જ્યાં
બેસવું હોય ત્યાં બેસી જાવ તમારી સીટ પર તો લેડી છે." મનમાં થયુ, "હે ભગવાન ! અહી પણ મહિલા અનામત ?" ઠીક હવે જે થયુ એ થયુ એમ માની ને હું ટી.સી. ની સામે જ બેઠો. જલારામબાપાને પણ કીધું કે લ્યો બાપા હું મારી માનતા અત્યારે જ પુરી ગણું છું અને તમેય એમ જ ગણજો. પેલા બેનનો બદલો આ ટી.સી. પાસે લેવાનું નક્કી કર્યું અને એને પૂછ્યા વિના એનું છાપું લઈને વાચવા લાગ્યો. આમેય બીજાના
છાપામાં સમાચાર પણ ઘણા બધા જોવા મળે, ઘરના છાપામાં કાઈ હોતું જ નથી.
જેતલસર આવ્યું એટલે ટી.સી.ભાઈ કે તમે બીજી સીટ પર ચાલ્યા જાવ અહી સ્ટાફના આવશે. મને એનું ખુન કરી નાખવાનું મન થયુ પણ ગાંધીજી યાદ આવતા એને માફ કરીને જીવનદાન આપ્યું. અને હું બીજી એક સાવ ખાલી સીટ પર આવીને બેઠો. જાણે યુદ્ધ હાર્યા પછી નાનું ગામડું દાનમાં મળ્યું હોય એમ હું પાકેલ શીભડા જેવું મોઢું કરીને બેઠો. તોય થોડીકવારમાં એમ થયુ કે કાઈ વાંધો નઈ,આ
સીટ હારે જ પાછલા જનમની લેણાદેણી હશે.
ઘણાબધા ફેરિયા સમોસા અને ભજીયા વેચતા હતા પણ પેલા પરણવા સાટું હરખ પદુડા થયેલા મનિયાના ઘરે ધાડ પાડવાની હતી ને ? એટલે કાઈ લીધું નઈ. મોઢું તો પાણી પાણી થતું હતું પણ વેર લેવું તો પુરું લેવું એ સનાતન ઈશ્વરી નિયમ યાદ આવતા જાતને રોકી લીધી. બારીએ બેઠો હતો તો જે હોય એ ખાલી જગ્યા જોઈને કે, "આયાં કોઈ આવે છે ?" અને હું રોફથી કહું, "આ રીઝર્વેશનનો ડબ્બો છે."
એટલી વારમાં એક ઈનશર્ટ મારેલ અને બૈરીથી લડીને આવેલ મોઢાવાળા એક ભાઈ આવ્યા અને મેં એનેય મારું સનાતન વાક્ય કહી દીધું કે, "આ રીઝર્વેશનનો ડબ્બો છે." પણ પાડા ઉપર પાણી રેડી અને એને કાઈ અસર ન થાય એમ પેલા ભાઈને કાઈ અસર થઇ નઈ. ટુંકમાં એની નિયત મારી સામેની સીટ પર બગડી ગઈ'તી. ગાડી ઉપડવાનો ટાઈમ થયો એટલે એ આવીને બેસી ગયા. થોડીકવાર થઇ ત્યાં બીજા ભાઈ
આવ્યા, લંઘાયેલ ગાજર જેવા. એણે પેલા ભાઈને પુછ્યું અહી કોઈ આવે છે ? તો ઓલા ભાઈ એ તો એના બાપુજીએ આખી ટ્રેન રેલવેવાળાને દાનમાં દીધી હોય એમ કહી દીધું, "નહિ."
મને થયુ કે એક જ ભાઈ છે ત્યાંતો એણે પાછળ બુમ મારી કે આયાં આવો. અને પાછળ આખું સરઘસ આવ્યું. એક બેન હતા અને એની સાથે એક છોકરો અને બે છોકરીઓ. મને થયુ આમેય સૌરાષ્ટ્રમાં આશરા ધરમનું ખુબ મહત્વ છે એટલે મેં મોટું મન રાખીને એમને બેસવા દીધા. (આમેય ના તો પડાય એમ હતી નહિ.)
રેલગાડી ચાલુ થઇ એટલે પેલા ભાઈ એના કુટુંબને મુકીને ચાલતા થયા અને એની બૈરીને કે મેં ટી.સી. હારે વાત કરી લીધી છે કે સ્ટાફના છીએ. એના છોકરાને કે હું પાછળ બેઠો છું હો. એટલે મને થયુ કે એમનામ કે'તો હશે. અને મેં એને મનમાં ને મનમાં જાવાની આજ્ઞા આપી દીધી. (જોકે એણે આજ્ઞા માગી નો'તી પણ માગે એ પેલા આપી દેવાની મને જૂની ટેવ છે.)
પણ મને ક્યાં ખબર હતી કે આ નાનકડો છોકરો મારી ભવ્ય રેલયાત્રાની પથારી ફેરવી નાખશે. એ તો ઘડીક થાય તો આ સીટે બેસે અને ઘડીક થાય તો સામેની સીટ પર જાય અને એ દરમ્યાન પોતાની ટામેટાની વેફરની અને ગંધારા ચંપલનો પાવન સ્પર્શ મારા પેન્ટને કરાવતો જાય. અને આ દરમિયાન પેલો ઘુષણખોર કે જેણે આ આફતને આમંત્રી હતી એ તો ક્યાંય રફુચક્કર થઇ ગયો. હું તો લગનમાં જાતો હતો
અને આ છોકરો મારા કપડાની ઐસી કી તૈસી કરતો હતો. મને ગુસ્સો તો બહુ આવતો હતો પણ બાળકમાં ભગવાન હોય છે એવું કો'ક દોઢ ડાહ્યાએ કીધેલું યાદ આવતા હું કાંઈ કે'તો ન'તો. અને આમેય એના મમ્મી તો એને રોકવાની કોશિશ તો કરતા જ હતા પણ આ ભાઈને એની ગરોળિયું શાંતિ લેવા દે તો ને ? ભાઈ જાણે મને દાનમાં મળેલ રાજ્યને પાછું ઝુંટવી લેવા માગતો હોય એમ મંડાઈ પડ્યો હતો.
ત્યાં એક સ્ટેશનેથી એના બાપાએ હાઉકલી કરી. મેં કીધું આ વળી ક્યાંથી ગુડાણો ? એને જોઈને તો એનો કુંવર તો ઠીક પણ એની કુંવરીઓ પણ તોફાન કરવા માંડી. ઘડીક થાય તો એક વેફરવાળા હાથેથી મારા પેન્ટ પર એમની મુલાકાતની છાપ છોડે તો ઘડીક થાય તો કોઈ સામેની સીટમાં બેઠા બેઠા પાટા મારે. મને એમ થયુ કે આ બધા જરૂર મારા પાછલા જનમના વેરી હશે અને એટલે જ મારી પાછળ પડી ગયા
છે. થોડીકવાર થઇ તો પેલો ભાઈ ચાલ્યો ગયો.
અને પાછા બીજા સ્ટેશનેથી આ ચાંડાલ ચોકડીનો માલિક એટલે કે પેલો લંઘાયેલ ગાજર જેવો પાછો આવ્યો અને આ વખતે તો બેઠો રહ્યો. મને એમ કે એ એના ચિલ્લરને ઓછા તોફાન કરવાનું કે'શે પણ એ તો આ બધાથી ટેવાયેલો હતો એટલે એને કાઈ અલગ ન'તું લાગતું પણ મારો તો જીવ બળતો હતો કેમ કે મારા લગનના પેન્ટની પથારી ફરતી હતી.
છેલ્લે એ બધાય જામજોધપુર ઉતરી ગયા. મેં એક મોટો હાશકારો લીધો. થયુ કે જો એ બધાય પોરબંદર સુધી આવ્યા હોત તો હું ઓલા મનિયાના લગનમાં તો ન જાત પણ એનાથી બચવા કદાચ રેલગાડી હેઠે કુદી જાત.
પણ મેંય મનમાં ભિષ્મ પ્રતિજ્ઞા લીધી કે,
"હું આવતા જનમમાં ટી.સી.થાઈશ અને આ છોકરાને એની પાસે રિઝર્વેશન ટીકીટ હશે તોય રિઝર્વેશનના ડબ્બામાં નઈ ઘરવા દઉં."
હું તો આજ થી ભગવાન ક્રિષ્ણ નેય નઈ માનું કેમ કે એના બાપાએ પાછું એનું નામ 'ક્રિષ્ના' રાખેલ. પણ હવે બીજી મોકાણ મંડાણી હતી. તડકોય ઝાઝો હતો અને લું પણ વાતી હતી. પણ હરખમાં ને હરખમાં હું પાણીની બોટલ લેવાનું ભૂલી ગયો'તો. તરસ તો લાગી હતી પણ કરવું શું ? ક્યાં કેટલીવાર ટ્રેન ઉભી રે'શે એ
તો ખબર નો'તી. એટલે પૂછડી દબાવીને બેઠો રહ્યો. એક સ્ટેશને તો પાણી ગોતવાની કોશિશ પણ કરી પણ જેવો નીચે ઉતરીને પાંચ ડગલા ચાલ્યો હોઈશ ત્યાં રેલગાડીના ડ્રાઈવરે હોરન માર્યું એટલે કે પાવો વગાડ્યો. અને મારું લુંટાતું રાજ બચાવવા હું પાછો ડબ્બા ભેગો થઇ ગયો. અને મનમાં જ ડ્રાઈવરને શ્રાપ દીધો કે,
"આવતા જનમે તું રેલગાડીનો પાવો થાઈશ અને હું ડ્રાઈવર થાઈશ અને તને વગાડે જ રાખીશ. અરે સોરી, આવતા જન્મે નઈ એના પછીના જન્મે હો... આવતા જન્મે તો ઓલા છોકરાનો વારો કાઢવાનો છે."
અને છેલ્લે બાર વાગ્યે હું પોરબંદર પૂગ્યો પણ ત્યાંતો મારા જ બાર વાગી ગયા હતા.