મંગળવાર, 8 નવેમ્બર, 2011

પ્રથમ પહેલા સમરીએ

પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા,
રિદ્ધિસિદ્ધિના દેવ દેવતા, મહેર કરો મહારાજ (૨)

માતારે જેના પાર્વતી સ્વામી તમને સુંઢાળા
પિતા શંકર દેવ દેવતા, મહેર કરો મહારાજ (૨)

ઘી સિંદુરની સેવા ચડે,સ્વામી તમને સુંઢાળા
ગળામાં ફૂલડાની હાર દેવતા, મહેર કરોને મહારાજ (૨)

કાનમાં કુંડળ ઝળહળ સ્વામી તમને સુંઢાળા
ગળામાં મોતીડાની માળ દેવતા મહેર કરોને મહારાજ

પાંચ લાડુ તમને પાય ધરું સ્વામી તમને સુંઢાળા
લડી લડી પાય લાગુ દેવતા મહેર કરોને મહારાજ (૨)

રાવતરણશીની વિનતી સ્વામી તમને સુંઢાળા
ભક્તોને હો જો સહાય દેવતા, મહેર કરો મહારાજ (૨)

રવિવાર, 6 નવેમ્બર, 2011

ગણપતિ દાતા મેરે દાતા

તમે ભાંગો મારા દલડાની ભ્રાતા...
તમે ખોલો મારા રૂદિયાના તાળા...
                      મારા દુખ દારિદ્રય મટી જાતા...
                      ગણપતિ દાતા મેરે દાતા

મૂળ મહેલમાં વસે ગુણેશા
ગુરુ-ગમસે ગમ પાતા... ગુણપતિ દાતા
                      રૂમઝુમ રૂમઝુમ નેપુર બાજે
                      મધુર ચાલ ચલંતા.. ગુણપતિ દાતા

ખીર ખાંડને અમૃત ભોજન...
ગુણપતિ લાડુડા પાતા...
                      ધૂપ ધ્યાનને કરું આરતી
                      ગુગળના ધૂપ હોતા..ગુણપતિ દાતા

તોરલ પુરીજી રૂખડિયો બોલ્યા
મરજીવા મોજું પાતા...
                      ગુણપતિ દાતા

શુક્રવાર, 4 નવેમ્બર, 2011

નંદબાવાને માતા જશોદાજી સાંભરે

નંદબાવાને માતા જશોદાજી સાંભરે,
                 મમતા રે મોટી રે મારી રહી ગઈ ગોકુળમાં.         - નંદબાવાનેo

છપ્પન ભોગ અહીં રોજ પીરસાતા (૨)
                  પણ માખણને રોટી મારી રહી ગઈ ગોકુળમાં.     - નંદબાવાનેo

સોનાના થાળ અહીં સોનાના કટોરા, (૨)
                   પણ રૂડી મારી ત્રાંસડી રહી ગઈ ગોકુળમાં.         - નંદબાવાનેo

સિતાર-સારંગીના ગીત અહીં ગુંજતા, (૨)
                   પણ વાલી મારી વાંસળી રહી ગઈ ગોકુળમાં.     - નંદબાવાનેo

હીરા માણેકના ઝળહળતા હાર અહીં, (૨)
                    તુલસીને ગુલછડી રહી ગઈ ગોકુળમાં.               - નંદબાવાનેo

મણિમય રત્નજડીત મુગટ અહીં શોભતા,(૨)
                     પણ મોરપીંછ પાઘડી રહી ગઈ ગોકુળમાં.         - નંદબાવાનેo

હેમર હાથીડા અહીં ઝૂલે અંબાડી,(૨)
                      પણ ગોરી મારી ગાવડી રહી ગઈ ગોકુળમાં.     - નંદબાવાનેo

મોજડી મુલાયમ શોભતી રે મખમલ શાપાએ,(૨)
                      ચંદન ચાખડી રહી ગઈ ગોકુળમાં.                   - નંદબાવાનેo

ઓધવ જઈને રુત રાધિકાને કે'જો,(૨)
                      કે અમી ભરી આંખડી રે રહી ગઈ ગોકુળમાં.     - નંદબાવાનેo


નંદબાવાને માતા જશોદાજી સાંભરે,
                     મમતા રે મોટી રે મારી રહી ગઈ ગોકુળમાં.        - નંદબાવાનેo

સોમવાર, 24 ઑક્ટોબર, 2011

હંસલા શિવને રટીલે

મળ્યો તને માનવ અવતાર હંસલા શિવને રટીલે,
વાંકો કોઈ કરશે ન વાળ હંસલા શિવને રટીલે.

જગતના ચોકમાં આવ્યો તું જ્યારથી
ભૂલી ગયો રામને માયાવી પ્યારથી
વધ્યો માથે દેવાનો ભાર હંસલાo

સંપતિમાં સુખ નથી સાચું જીવનનું
કરતો સદાય તું ધાર્યું તારા મનનું
જાણ્યો નહિ જિંદગીનો સાર હંસલાo

ઝાંઝવાના જળ જોઈ દુર દુર ભટક્યો
આશાના તંતુએ અધ્ધર તું લટક્યો
કામ નહિ આવે પરિવાર હંસલાo

ભક્તિને પંથ જાતા ભક્તો સાંભળજો
મૂડી ઝાઝી ભજનની બાંધજો
થઇ જાયે ત્યારે બેડો પાર હંસલાo

રવિવાર, 9 ઑક્ટોબર, 2011

શબ્દ કસોટી

Project Work - Bamboo a Wonderful Plant

વિદ્યાર્થીઓએ કરેલા પ્રોજેક્ટ વર્કને એક અલગ સ્વરૂપે રજુ કરીએ છીએ. ગમે તો કેજો.અને ન ગમે તો જરૂર કેજો.



પીરીયડ પ્લાનીંગ


  • બી.એડ. અને પી.ટી.સી.માં આપણને બધાને પીરીયડ પ્લાનીંગની ખુબ પ્રેકટીશ કરાવવામાં આવી હતી. દરેક બાબતને આપણે સમય સાથે સાંકળીને ભણાવતા હતા. કોઈ વાત અધૂરી ન રહી જાય.કશું આયોજનમાંથી ભૂલાઈ ન જાય. એના માટે આપણે અડધા અડધા થઇ જતા.

  • પણ છેલ્લે ઈન્ટર્નશીપમાં ખુબ મજા પડતી. કેમ કે ત્યાં વગર આયોજને ભણાવવા મળતું. એવું લાગતું કે વિચારોના ઘોડાને આયોજનના બંધનમાંથી મુક્તિ મળી ગઈ હોય. મારી ઈન્ટર્નશીપ જી.ટી.શેઠ નામની હાઈસ્કુલમાં હતી. મજા તો આવી પણ સાથે સાથે ઘણું બધું શીખવાનું મળ્યું.

  • છેલ્લા દિવસે ત્યાંના સ્ટાફના એક સાહેબશ્રી નિરંજનીભાઈ સાથે અમે ચા પીવા માટે બહાર ગયા.તેમણે ચર્ચા દરમ્યાન એક સરસ વાત કરી હતી. તેમણે કીધું કે એક અડધી કલાકના પીરીયડમાં તમારે બે જ કામ કરવાના, વીસ મીનીટ ભણાવવાનું પણ દસ મીનીટ એ કરો જે બાળકને ગમે છે.એટલે કે વીસ મીનીટ તમને ગમે તે અને દસ મીનીટ વિદ્યાર્થીને ગમે તે. મને એમની આ વાત ખુબ ગમી હતી અને યાદ પણ રાખી છે.

  • પણ હું શિક્ષક બન્યો પછી મેં એક વિચાર કર્યો. મને થયું કે આપણે ભણાવવું તો છે જ પણ તો પછી આપણે વિદ્યાર્થીને ગમે એ રીતે જ કેમ ન ભણાવીએ ? અને એના માટે હજુ પણ મારા પ્રયત્નો ચાલુ છે. તમે પણ કોશિશ કરજો ખુબ ગમશે...


“वो एक नायाब तस्वीर है खुदा की,
          बच्चा जब हस्ता है, रहेमत है खुदा की.”

{ઘરનો શેર છે એટલે ભૂલચૂક લેવી-દેવી.}

  • Suggestions are always welcomed. (Write in comments.)

મિચ્છામી દુક્કડમ


            મિત્રો, ભારત દેશમાં ધર્મોની ઘણી બધી વિવિધતાઓ છે અને આ વિવિધતાઓમાં વિશેષતાઓ પણ છે. જૈન ધર્મમાં પર્યુષણ પર્વ આવે છે.આ પર્વનો એક જ સંદેશ છે,
  • “માફી માગો અને માફી આપો.”

            વર્ગમાં ભણાવતી વખતે આપણે આ વાતને ખુબ સહજતાથી ભૂલી જઈએ છીએ. વિદ્યાર્થીને શીખવીએ અને જો તે ભૂલ કરે તો, ‘ગધેડા જેવો’, ‘બુદ્ધિ વગરનો’ જેવા કેટકેટલા સંબોધનો આપણે એને કરી નાખીએ છીએ. પણ એવા શિક્ષકોને મારો એક પ્રશ્ન છે,
  • “તમે એવા કેટલા વ્યક્તિને ઓળખો છો જેણે ક્યારેય ભૂલ જ નથી કરી?”

            મને જવાબ ખબર છે. તમને પણ ખબર છે. તમે શું પોતાનું નામ લઇ શકશો? નહિ. તમે તરત એક વાક્ય બોલશો,
  • “માણસ માત્ર ભૂલને પાત્ર.”

            આ વાક્ય આપણને ત્યારે જ યાદ આવે છે જ્યારે ભૂલ આપણે કરી હોય. બીજા માટે આ વાક્ય આપણા મગજમાં આવતું જ નથી.
            એકવાર મેં એક છોકરાનું લેશન જોયું. એણે કેટલાક વાક્યો લખવાના હતા. મને એમાં ભૂલ દેખાણી તો મેં સુધારી નાખી. મારા માટે આ સામાન્ય હતું પણ એના માટે નહિ.

એ બોલ્યો, “ લે, સરે તો સુધારી દીધું.”
મેં પૂછ્યું, “તો બીજું શું કરું?”
તે બોલ્યો, “બીજા હોય તો ચોકડી મારી દે અથવા તોડી નાખે અને બીજી વાર લખવાનું કે’.”
મેં કીધું, “હું આમ જ કરું છું.”

            સાચું કહું છું, મેં આજે પણ એ નિયમ જાળવી રાખ્યો છે. અને તમે જો આવી ભૂલ ક્યારેય કરી હોય તો દિલથી એકવાર “મિચ્છામી દુક્કડમ” બોલીને એવું બીજી વાર ન થાય એવા પ્રયત્નો કરજો.

અને હા મારાથી કોઈ ભૂલ થઇ હોય તો તમને પણ મારા,
“મિચ્છામી દુક્કડમ”.

No Grave


There is no grave,
can hold my body down.”

                  મિત્રો, wwe થી જો તમે અજાણ હોવ તો કહી દઉં કે અંડરટેકર નામનો એક વ્યક્તિ છે જેના એન્ટ્રન્સ સોંગમાં ઉપરની લાઈન આવે છે. વાક્ય સમજાવું?
Grave’ નો અર્થ થાય છે કબર. એટલે કે વાક્યનો અર્થ જોઈએ તો...

                 “એવી એકેય કબર નથી જે મારા શરીરને નીચે જકડી રાખી શકે.”
                 
                  પરંતુ આપણા માટે તો અહિયા પણ શીખવા જેવું છે. માનવ જીવનમાં ઘણીવાર મુશ્કેલીઓ, સંકટો અને જુદા જુદા વિકટ સંજોગો આવતા હોય છે. મારા માટે પણ એવું બનેલું. પણ એ સંજોગો કહેવાની મારી ઈચ્છા નથી. પણ તે સમયે આ વાક્યે મને ઘણું જ પ્રોત્સાહન આપ્યું હતું. આ વાક્યે મને એક આક્રમક વિચારધારા આપી. જાણે કે આત્મવિશ્વાસનો એક નવો સ્ત્રોત જ આપી દીધો.
                  મુશ્કેલીઓ અને સંકટોની સામે લડવાની તાકાત મળી ગઈ. તેથી હંમેશા યાદ રાખો કે તમે ખુદ વિજેતા છો. અને તમે હંમેશા જીતવાના જ છો.મુશ્કેલીઓ છે,હશે અને રહેવાની છે.પણ તેમની તાકાત નથી કે તમને રોકી શકે.
So, keep winning the war of your Life.

શુક્રવાર, 7 ઑક્ટોબર, 2011

અંગ્રેજીનો ડર

આ માસના અમારા નિર્ઝર અંકમાં મારો એક અનુભવ છપાયો છે. જરા વાંચીને કેજો કેવો લાગ્યો ?


શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2011

હું ગાંડો નથી રે હું કાઈ ઘેલો નથી રે


હું ગાંડો નથી રે હું કાઈ ઘેલો નથી રે,
કોઈનો છેતરો છેતરાવ એવો ભોળો નથી રે.

ચાર પાંચ ફૂલ લઇ મને ચઢાવે,
ઇનામ મેળવવા માનતા માને,
                પાંચ ફૂલે પાંચ લાખ દેતો નથી રે.            -હું ગાંડોo

ચપટી ચોખા લઇ મંદિરીયે આવે,
મારા ઉપર હો ફદીયા ફગાવે,
                એવા પીતળિયા હું કાઈ લેતો નથી રે.         -હું ગાંડોo

મારા બનાવેલા મને બનાવે,
ગર્ભવાસ ના કોઈને ભુલાવે,
                વખત આવે ત્યારે મેલતો નથી રે.             -હું ગાંડોo

મારા નામની ફિલમ ઉતારે,
ભોળા લોકોને જોવા લલચાવે,
                અર્ધાની ટીકીટમાં હું સસ્તો નથી રે.            -હું ગાંડોo

બાવરચી


લેખક : વાળા પ્રતિક એમ.
આ.શિ. ઝુંડાળા પ્રાથમિક શાળા

બાવરચી

                                                રાજેશ ખન્નાની એક જૂની ફિલ્મ ‘બાવરચી’ વિષે વાત કરીએ. આ ફિલ્મમાં એક કુટુંબ છે જેમાં દરેક સભ્ય એકબીજાની સાથે ઝઘડ્યા જ કરે છે. તેમની એકબીજા પ્રત્યે અપેક્ષાઓની યાદી એટલી મોટી છે કે સામેની વ્યક્તિ એ યાદી પૂરી જ કરી શકે નહિ અને જ્યારે અપેક્ષા પૂરી ન થાય ત્યારે પે’લા અસંતોષ, ક્રોધ અને છેલ્લે મનભેદ ઉત્પન્ન થાય છે.

                        આપણે પણ આવું જ કરીએ છીએ. એક શિક્ષક તરીકે આપણે ઇચ્છીએ છીએ કે આપણા વર્ગનો દરેક વિદ્યાર્થી હોશિયાર હોય. આપણે એક વખત શીખવીએ અને બધાને બધું એક સાથે આવડી જાય. ખરેખર તો તમે અને હું બંને જાણીએ છીએ કે  અશક્ય છે.

                        પણ ચિંતા ન કરો. આપણી આવી આ માનસિકતાનો ઈલાજ પણ આ ફિલ્મમાં જ આપેલો છે. ફિલ્મમાં કામ કરવા માટે આવેલો નોકર (બાવરચી) બધી સમસ્યાઓને ખતમ કરી નાખે છે.તે બે ભાઈઓ વચ્ચે સમાધાન કરવા માટે એવી ખોટી વાત કરે છે કે બીજો ભાઈ તેના વખાણ કરતો હતો. ટૂંકમાં, એ દરેક સભ્યને એ જ વાત કહે છે જે એને સાંભળવી ગમશે જ. એટલે એ એની અપેક્ષાઓને પૂરી કરે છે, શાબ્દિક રીતે.

                        આ જ વાત આપણે પણ કરવાની છે. વિદ્યાર્થીને થોડા વખાણ, થોડી પ્રશંસા અને થોડા પ્રોત્સાહનની જ જરૂર છે. અને એક સારો શિક્ષક એ ખુલ્લા મનથી આપતો જ રહે છે. યાદ રાખો, ખોટા વખાણ નહિ પરંતુ એવી બાબતોના વખાણ જેને બધા લોકો નજરઅંદાજ કરી દેતા હોય છે. એનામાં રહેલી નાનામાં નાની કળા કે બાબત કે જેના વખાણ કરવા જોઈએ.

                        પરંતુ આનાથી વિદ્યાર્થી હોશિયાર નથી થવાનો હો ! એ કહી દઉં.આનાથી વિદ્યાર્થી તમને પસંદ કરતો થશે અને તમે જે કામ એને પહેલા ફરજીયાત અથવા પરાણે કરાવતા હતા તે જ કામ હવે તે પોતાની ઈચ્છા અને ઉત્સાહથી કરશે. એટલે તમારા વિદ્યાર્થીની ૫૦% સફળતા પાકી.

                        હવે વિદ્યાર્થી જ્યારે કોઈ તોફાન કરે, કોઈ ભૂલ કરે તો જો એ ભૂલ શૈક્ષણિક હોય તો તમારે સુધારવાની અને જો તોફાન હોય તો એની પાસે સુધરાવો. એક વાત યાદ રાખજો કે સ્કુલના ગેટમાં આવ્યાથી બહાર નીકળ્યા સુધી તમારે બાળકોને હકારાત્મકતા જ આપવાની છે.

                        એક અઠવાડિયું અખતરો કરી જુઓ. અને હા તેનું પરિણામ મને જણાવાનું ન ભૂલતા !

હાઈકુ


લેખિકા : વાઘેલા ઉષાકિરણબેન
આ.શિ. ઝુંડાળા પ્રાથમિક શાળા

હાઈકુ
(૧)
બુંદ બુંદ જો
ટપકે ને કેવી આ
કુંપળ ફૂટે.

(૨)
નીલુ આકાશ
હરિયાળી ધરતી
કેવા સુંદર !

(૩)
ફૂલડાં ખીલે
ફૂલડાં કરમાય
જીવન એવું.

(૪)
નદીનું જળ
સાગરને મળીને
બનતું ખારું.

બાળકની કલ્પનાઓ વિશેની કવિતા


લેખિકા : વાઘેલા ઉષાકિરણબેન
આ.શિ. ઝુંડાળા પ્રાથમિક શાળા

બાળકની કલ્પનાઓ વિશેની કવિતા


વનવગડે ફરવું ને જંગલમાં મહાલવું,
કુણા તરણા ખાવાને હળીમળીને રમવું,
બની જાઉં હરણું તો દોડવું ગમે,
દોડવું ગમે, મને દોડવું ગમે.

રહેવું ઘરના છાપરે કે મંદિરના ગોખમાં,
ચણ ચણ ચણવું ને ગળું ફુલાવી ફરવું,
બની જાઉં પારેવું તો ઉડવું ગમે,
ઉડવું ગમે મને ઉડવું ગમે.

ફૂલડે ફૂલડે ફરવું ને મસ્તીથી મહાલવું,
આનંદથી ઉડવું ને બાગ-બગીચે ભમવું,
બની જાઉં ભમરો તો ગુનગુન કરું,
ગુંજન કરું હું તો ગુંજન કરું.

બાગ-બગીચે ખીલવું ને મંદિરમાં ધરવું,
રંગબેરંગી સુંદર મજાનું,
બની જાઉં ફૂલડું તો ફોરમવું ગમે,
ફોરમવું ગમે મને ફોરમવું ગમે.

ફૂલડે ફૂલડે બેસવું ને આમતેમ ઉડવું,
રંગબેરંગી પાંખો લઈને નાનું મજાનું,
બની જાઉં પતંગિયું તો ઉડવું ગમે,
ઉડવું ગમે મને ઉડવું ગમે.

વનની વનરાઈ કે નદી કાંઠે ઝાડીમાં,
પીંછા લહેરાવું ને કળા કરીને નાચું,
બની જાઉં મોરલિયો તો ટહેકવું ગમે,
ગહેકવું ગમે મને ગહેકવું ગમે.

પહાડોની વચ્ચે ને જંગલ કેરી કેડીએ,
ઉપરથી પછડાવું ને મીઠા સંગીત રેલાવું,
બની જાઉં ઝરણું તો રેલાવું ગમે,
રેલાવું ગમે મને રેલાવું ગમે.

ખારા ખારા સાગરમાં કે નદી-સરવરમાં,
પાણીમાં તરતી ને આમતેમ ફરતી,
બની જાઉં માછલી તો તરવું ગમે,
તરવું ગમે મને તરવું ગમે.


હરિયાળા ખેતરમાં કે ધરતી પર લહેરાઉં,
મંદ મંદ હવાની શીત લહેરખી બનીને,
બની જાઉં પવન તો લહેરાવું ગમે,
લહેરાવું ગમે મને લહેરાવું ગમે.

કાળી કાળી ઘેરી ઘટા બનીને છવાય,
માનવ હૈયા જોઈ મન હરખાય,
બની જાઉં વાદળી તો વરસવું ગમે,
વરસવું ગમે મને વરસવું ગમે.

હરિયાળા મેદાનમાં ને નદીઓની ભેખડ પર,
ગાયો ને ચારવા સીમ ને જંગલમાં,
બની જાઉં ગોવાળિયો ને પાવો વગાડું,
પાવો વગાડું હું તો પાવો વગાડું.

ગોકુળની ગલીઓમાં, ગોપીઓના સંગમાં,
માખણ ચોરવું ને બંસરી વગાડું,
બની જાઉં કનૈયો તો રાસ રમાડું,
રમવું ગમે મને રમવું ગમે.

બીજમાંથી નીકળું ને મોટું મોટું થાઉં,
ફળ-ફૂલડાં ને છાંયડો આપું,
બની જાઉં ઝાડવું તો વરસાદ લાવું,
વરસાદ લાવું  હું તો વરસાદ લાવું.

રોજ સવારે ઊગવું ને સાંજે આથમવું,
દુનિયાને ઉર્જા ને ગરમી આપું,
બની જાઉં સુરજ તો અજવાળવું ગમે,
અજવાળવું ગમે મને અજવાળવું ગમે.

મારી નિશાળમાં


લેખિકા : વાઘેલા ઉષાકિરણબેન
આ.શિ. ઝુંડાળા પ્રાથમિક શાળા

મારી નિશાળમાં

ટીનાબેન, ટીનાબેન મારી નિશાળમાં,
      આવશો કે નહિ ? આવશો કે નહિ ?

લખવાને પાટી, વાંચવાને ચોપડી,
      આપીશ તમને, આપીશ તમને.
મુન્નાભાઈ, મુન્નાભાઈ મારી નિશાળમાં,
      આવશો કે નહિ ? આવશો કે નહિ ?

ગુજરાતીમાં પાઠ ને ગણિતમાં દાખલા,
      શીખવીશું તમને, શીખવીશું તમને.
ટીનાબેન, ટીનાબેન મારી નિશાળમાં,
      આવશો કે નહિ ? આવશો કે નહિ ?

દીકરી


લેખિકા : વાઘેલા ઉષાકિરણબેન
આ.શિ. ઝુંડાળા પ્રાથમિક શાળા



દીકરી વ્હાલ ભરેલી વેલી,
      દીકરી હેત હરખની હેલી,

દીકરી ખળખળ વહેતું ઝરણું,
      દીકરી થનગન કરતુ હરણું,

દીકરી આશ અમીરસ ઝારી,
      દીકરી ફૂલ ફોરમની ક્યારી.

આકાશ


લેખિકા : વાઘેલા ઉષાકિરણબેન
આ.શિ. ઝુંડાળા પ્રાથમિક શાળા

આકાશ

બે નાની આંખોથી નજરના પહોંચે,
     દુનિયા આખી ઉપર છવાયેલું રહેતું આકાશ.

વહેલી સવારથી સોનેરી કિરણો પાથરતું,
     મધ્યાહને ધરાવાસીઓને દઝાડતું આકાશ.

રંગબેરંગી પંખીઓના કલરવથી ગુંજતું,
     એમ જ જીવન સ્વપ્નને સમજાવતું આકાશ.

કાળી વાદળીઓ જળથી ભરીને,
     પશુપંખી ને માનવ હૈયા લહેરાવતું આકાશ.

રીમઝીમ વરસીને રોમાંચ જગાડતું,
     માદક મહેક પમારાવતું આકાશ.

અષાઢ-શ્રાવણની હેલીઓ વરસાવતું,
     મંદ-મંદ ધારે અમી વરસાવતું આકાશ.

જાણે કે પ્રિયજનનો સ્પર્શ,
     એવો રોમાંચ જગાવતું આકાશ.

સૃષ્ટિના સમગ્ર જીવોને હરખાવતું,
     તો ક્યારેક સૌને તાદાપાવતું આકાશ.

વીજળીના ચમકારથી ઝગમગતું,
     ને વાદળાના ગડગડાટથી ગભરાવતું આકાશ.

ક્યારેક તોફાની બનીને સર્વનાશ નોતરતું,
     ધરાને જાણે ધમરોળતું આકાશ.

ધરતીને આલીંગનમાં લેવા મથતું,
     તોયે સદાયે દુર જ રહેતું આકાશ.

સાત-સાત રંગોની રંગોળી રચતું,
     મેઘ ધનુષથી ખુબ શોભતું આકાશ.

ઉષા-સંધ્યાના રંગોને ફેલાવતું,
     પલપલ અવનવા રંગો બદલાવતું આકાશ.

ક્યારેક અમાસની કાજળઘેરી રાત,
     ને ક્યારેક પૂનમની ચાંદની પથરાવતું આકાશ.

અગણિત તારલાના હીરા ઝળકાવતું,
     દિવસે ચંદ્ર ને રાતે સુરજને છુપાવતું આકાશ.

ક્યારેક જાણે રૂના ઢગલે ઢગલા,
     તો ક્યારેક નિરભ્ર જણાતું આકાશ.

અવનવા આકાશે સર્જતું,
     જોતા જઈએ તેમ વિસ્મય સર્જતું આકાશ.

આમાં ક્યાંક છુપાયો હશે ઈશ્વર ?
     એવો સતત આભાસ કરાવતું આકાશ.

હું તો ચાહું કે


લેખિકા : વાઘેલા ઉષાકિરણબેન
આ.શિ. ઝુંડાળા પ્રાથમિક શાળા


હું તો ચાહું કે,
      ગ્રીષ્મના સંતપ્ત તાપમાં
      સૌમ્ય લહેર સમીરની બની,
      સર્વત્ર લહેરાઉં...

હું તો ચાહું કે,
      ખળખળ હસતી રમતી
      નીર વહાવતી નદી બની,
      સાગરને મળવા જાઉં...
વળી ચાહું કે,
      સમંદરના મોજાઓ વચ્ચે
      ડોલતી કુદતી ઉછળતી નાવડી બનીને,
      પેલે પાર જાઉં...

હું તો ચાહું કે,
      આમ્રકુંજમાં ટહુકતી કોયલડીનું
      મધુર કુંજન બનું...
વળી ચાહું કે,
      સુંદર સુગંધિત ફૂલો પર
      ઉડતા ભમરાનું ગુંજન બનું...

હું તો ચાહું કે,
      રંગબેરંગી પાંખો લઈને
      બાગમાં આમથી તેમ
      પતંગિયું બની ઉડું...
વળી ચાહું કે,
      નાનકડું ઝરણું બની,
      પહાડની ટોચેથી નીકળી
      ઝાડીઓની વચ્ચેથી
      કુદકા મારતું દોડું...

હું તો ચાહું કે,
      એક રૂપેરી માછલી બની
      નિર્મળ નીરમાં આમતેમ દોડું
      સંતાકુકડી રમું...
વળી ચાહું કે,
      એક નાનું ભોળું મજાનું
      પંખી બની અનંત
      આકાશમાં ઉડું...

હું તો ચાહું કે,
      સુંદર કોમલ સુગંધિત
      નાનું પુષ્પ બની
      ભગવાનના ચરણોમાં ચઢી જાઉં...
                                                -‘ઉષા’

રવિવાર, 11 સપ્ટેમ્બર, 2011

લેતા શ્રી રામનું નામ દુનિયા લાજી મરે છે


લેતા શ્રી રામનું નામ દુનિયા લાજી મરે છે.(૨)

રામ નામ લેતા એની જીભલડી દુઃખે,
        પારકી નિંદામાં હોશિયાર, દુનિયા લાજી મરે છે.

મંદિરે જતા એના પગડિયા દુઃખે,
        ફરી આવે આખું ગામ, દુનિયા લાજી મરે છે.

દાન પુણ્ય કરતા એના હાથડીયા દુઃખે,
        અફળ બધું જાય, દુનિયા લાજી મરે છે.

ધુન બોલે ત્યારે કોઈ ન આવે,
        ગાળું બોલે તો ભેગા થાય, દુનિયા લાજી મરે છે.

ભજનમાં જતા એને નીંદરડી આવે,
        ફિલ્મ જોવામાં હોશિયાર, દુનિયા લાજી મરે છે.

લેતા શ્રી રામનું નામ દુનિયા લાજી મરે છે.(૨)

અગડ બમ શિવ લહેરી


બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાવે,
        અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી.

નારદજીની વીણા બોલે, શિવજીનું ડમરુ બોલે,
        શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)

ગંગાજીની ધારા બોલે, ઘટોઘટ માંહી બોલે,
        શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)

શ્યામ કેરી બંસી બોલે, મીરાનો એકતારો બોલે,
        શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)

બ્રહ્માજીના વેદ બોલે, અંતરના ભેદ ખોલે,
        શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)

નરસિંહનો કેદારો બોલે, સંગ એકતારો બોલે,
        શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)

બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાવે,
        અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી.