રવિવાર, 9 ઑક્ટોબર, 2011

મિચ્છામી દુક્કડમ


            મિત્રો, ભારત દેશમાં ધર્મોની ઘણી બધી વિવિધતાઓ છે અને આ વિવિધતાઓમાં વિશેષતાઓ પણ છે. જૈન ધર્મમાં પર્યુષણ પર્વ આવે છે.આ પર્વનો એક જ સંદેશ છે,
  • “માફી માગો અને માફી આપો.”

            વર્ગમાં ભણાવતી વખતે આપણે આ વાતને ખુબ સહજતાથી ભૂલી જઈએ છીએ. વિદ્યાર્થીને શીખવીએ અને જો તે ભૂલ કરે તો, ‘ગધેડા જેવો’, ‘બુદ્ધિ વગરનો’ જેવા કેટકેટલા સંબોધનો આપણે એને કરી નાખીએ છીએ. પણ એવા શિક્ષકોને મારો એક પ્રશ્ન છે,
  • “તમે એવા કેટલા વ્યક્તિને ઓળખો છો જેણે ક્યારેય ભૂલ જ નથી કરી?”

            મને જવાબ ખબર છે. તમને પણ ખબર છે. તમે શું પોતાનું નામ લઇ શકશો? નહિ. તમે તરત એક વાક્ય બોલશો,
  • “માણસ માત્ર ભૂલને પાત્ર.”

            આ વાક્ય આપણને ત્યારે જ યાદ આવે છે જ્યારે ભૂલ આપણે કરી હોય. બીજા માટે આ વાક્ય આપણા મગજમાં આવતું જ નથી.
            એકવાર મેં એક છોકરાનું લેશન જોયું. એણે કેટલાક વાક્યો લખવાના હતા. મને એમાં ભૂલ દેખાણી તો મેં સુધારી નાખી. મારા માટે આ સામાન્ય હતું પણ એના માટે નહિ.

એ બોલ્યો, “ લે, સરે તો સુધારી દીધું.”
મેં પૂછ્યું, “તો બીજું શું કરું?”
તે બોલ્યો, “બીજા હોય તો ચોકડી મારી દે અથવા તોડી નાખે અને બીજી વાર લખવાનું કે’.”
મેં કીધું, “હું આમ જ કરું છું.”

            સાચું કહું છું, મેં આજે પણ એ નિયમ જાળવી રાખ્યો છે. અને તમે જો આવી ભૂલ ક્યારેય કરી હોય તો દિલથી એકવાર “મિચ્છામી દુક્કડમ” બોલીને એવું બીજી વાર ન થાય એવા પ્રયત્નો કરજો.

અને હા મારાથી કોઈ ભૂલ થઇ હોય તો તમને પણ મારા,
“મિચ્છામી દુક્કડમ”.